Gujarat News: ઉનાળાની ઋતુ શરૃ થાય તે પહેલા શેરડીના કોલાવાળા તથા બરફના ગોલાવાળા સહિત લારી ગલ્લામાં ખાદ્ય ચીજવસ્તુ વેચતા વેપારીઓને જાગૃત કરવા માટે અગાઉ મ્યુ. કમિશનર દ્વારા સુચના આપી હતી જેના પગલે આરોગ્ય અને ફુડ શાખા દ્વારા લારી-ગલ્લાવાળા તથા દુકાનદારો સાથે ખાસ બેઠક કરી હતી અને તેમને સેન્સટાઇઝ કર્યા હતા તથા સ્વચ્છતા સહિતની જરૃરી કાળજી લેવા માટે ટકોર કરવામાં આવી હતી.
ગાંધીનગર મ્યુ.કમિશનરની અધ્યક્ષતામાં આરોગ્ય શાખાની રોગચાળા અંતર્ગત મળેલી બેઠકમાં સુચવ્યા મુજબ ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને શેરડીના રસના લારીવાળા તથા બરફના ગાળાવાળા સહિત અન્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા દુકાનદારો અને લારીવાળાની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આરોગ્ય શાખા તથા ફુડ શાખાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ બેઠકમાં દુકાનદારો અને લારી-ગ્લાલવાળાઓને ઉનાળાની ઋતુમાં પાણીજન્ય તથા ખોરાકજન્ય રોગચાળા બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા.
રોગચાળો ફેલાય નહીં તે માટે રાખવાની થતી કાળજી જેવી કે, સ્વચ્છતા, પિવાલાયક શુધ્ધ પાણી, કામદારોની પર્સનલ હાઇજીન, ફુડની ક્વોલીટી, ક્લોરીનેશનયુક્ત પાણી જેવી વિવિધ બાબતો માટે કાળજી રાખવા માટે ટકોર કરવામાં આવી હતી. આ બેઠકમાં ૭૦થી વધુ વ્યક્તિઓ હાજર રહ્યા હતા. તમામને માર્ગદર્શન ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. પી.ડી.પ્રજાતપિ તથા કોર્પોરેશનના રોગચાળા અધિકારી ડો. હેમાબેન જોષી દ્વારા આપાવમાં આવ્યું હતું.