Today Gujarati News (Desk)
ભારતના અબજોપતિ ઉદ્યોગપતિના સામ્રાજ્યને તેના એક અહેવાલથી હચમચાવી દેનાર શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ ટૂંક સમયમાં વધુ એક રિપોર્ટ જાહેર કરવા જઈ રહ્યું છે. હિંડનબર્ગે થોડા સમય પહેલા ટ્વીટ કરીને આની જાણકારી આપી છે.
હિંડનબર્ગે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં બીજો રિપોર્ટ બહાર પાડશે. જોકે અત્યાર સુધી તેમણે આને લગતી કોઈ વિગતો શેર કરી નથી. પરંતુ હવે ચર્ચા ઉઠી રહી છે કે આ વખતે કોનો વારો લાગશે?
હિંડેનબર્ગ રિસર્ચની સ્થાપના વર્ષ 2017માં નેટ એન્ડરસન દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી તે તેની કામગીરી સંભાળી રહ્યા છે. હિંડનબર્ગ એક શોર્ટ સેલર ફર્મ છે. જે વિશ્વની ટોચની કંપનીઓના એકાઉન્ટમાં આર્થિક ગેરરીતિઓ ઉપર રિપોર્ટ બનાવે છે અને તેને જાહેર કરીને જે તે કંપનીના શેરમાં શોર્ટ સેલિંગથી કમાણી કરે છે.
આ વર્ષની શરૂઆતમાં જ્યારે ફર્મે ભારતીય બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી પર રિપોર્ટ બહાર પાડ્યો છે, ત્યારથી તે સમાચારોમાં છે. રિપોર્ટમાં શેરના ફ્રોડ ટ્રેડિંગનો કથિત આરોપ છે. 24 જાન્યુઆરીના રોજ પ્રકાશિત આ અહેવાલના પ્રકાશનથી, અદાણી જૂથને લગભગ પાંચ અઠવાડિયામાં $ 150 બિલિયનથી વધુનું નુકસાન કર્યું છે.
તેવામાં ગત જાન્યુઆરીમાં અદાણી પર રિપોર્ટ બહાર આવતાં વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયેલા ગૌતમ અદાણી હાલમાં ફોર્બ્સની રિયલ ટાઈમ અબજોપતિઓની યાદીના ટોપ-35માંથી બહાર છે.