દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ખતરનાક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને રાજધાનીમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ વચ્ચે એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની પાસેથી એક હથિયાર પણ મળી આવ્યું છે. રિઝવાનની દિલ્હીથી જ ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલો આતંકી રિઝવાન અલી દિલ્હીના દરિયાગંજનો રહેવાસી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત દેશની તમામ એજન્સીઓ લાંબા સમયથી તેની શોધમાં વ્યસ્ત હતી. NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ આ આતંકવાદી પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટ પહેલા રિઝવાન અલીની ધરપકડ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ માટે મોટી સફળતા છે. દિલ્હી પોલીસ અને NIA સહિતની તમામ એજન્સીઓ હવે તેની પૂછપરછ કરી રહી છે અને તેના આગળના પ્લાનિંગ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે