Today Gujarati News (Desk)
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શનિવારે આતંકવાદી અને પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુના ચંદીગઢના નિવાસસ્થાનને સીલ કરી દીધું છે. આ સિવાય અમૃતસરમાં તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.
ચંદીગઢના સેક્ટર 15માં આવેલી કોઠી નંબર-2033 એ પન્નુનું નિવાસસ્થાન છે. NIAની ટીમે હવેલીની બહાર નોટિસ લગાવી છે. આ ઉપરાંત અમૃતસરના ખાનકોટ ગામમાં પન્નુની ખેતીની જમીન પણ જપ્ત કરવામાં આવી છે. NIA ટીમ મોહાલીના આદેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
પન્નુની પ્રોપર્ટી 2020માં એટેચ કરવામાં આવી હતી
જપ્તી બાદ હવે પન્નુનો આ મિલકત પરનો માલિકી હક્ક ખતમ થઈ ગયો છે અને આ મિલકત હવે સરકારની છે. 2020માં પણ પન્નુની મિલકતો જપ્ત કરવામાં આવી હતી. જેનો મૂળભૂત અર્થ એ હતો કે તે મિલકત વેચી શકે તેમ નથી, પરંતુ આ પગલા બાદ પન્નુએ મિલકતની માલિકી ગુમાવી દીધી છે.
મૂળ પંજાબના ખાનકોટના ગુરપતવંત સિંહ પન્નુ હાલમાં અમેરિકાના નાગરિક છે. પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરીને પન્નુ વિદેશ ગયો હતો. ત્યારથી તે કેનેડા અને અમેરિકામાં રહે છે. તે વિદેશમાં રહીને ખાલિસ્તાની ગતિવિધિઓ ચાલુ રાખે છે અને સમયાંતરે વીડિયો જાહેર કરીને ભારત સરકાર સામે ઝેર ઓકતો રહે છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની મદદથી તેણે શીખ ફોર જસ્ટિસ ઓર્ગેનાઈઝેશન નામનું સંગઠન પણ બનાવ્યું છે જેના પર 2019માં ભારતે પ્રતિબંધ મૂક્યો હતો.