ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડની છેલ્લી સોંપણી T20 વર્લ્ડ કપ 2024 હશે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સિનિયર મેન્સ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવી છે. મુખ્ય કોચના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27મી મે છે. તમને જણાવી દઈએ કે BCCIએ આગામી ભારતીય મુખ્ય કોચના પદ માટે અનૌપચારિક રીતે એક અનુભવી ખેલાડીનો સંપર્ક કર્યો હતો. આ દિગ્ગજ ખેલાડી હાલમાં આઈપીએલમાં એક ટીમ સાથે જોડાયેલો છે.
બીસીસીઆઈએ મુખ્ય કોચ માટે આ દિગ્ગજનો સંપર્ક કર્યો હતો
ઓસ્ટ્રેલિયન બેટિંગ મહાન રિકી પોન્ટિંગે ખુલાસો કર્યો છે કે ભારતીય મુખ્ય કોચની ટૂંક સમયમાં ખાલી થનારી પોસ્ટ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેણે આ ઓફરને ફગાવી દીધી છે. તે માને છે કે તે અત્યારે તેની જીવનશૈલીમાં બંધબેસતું નથી. દિલ્હી કેપિટલ્સ IPL ફ્રેન્ચાઇઝીના મુખ્ય કોચ તરીકે તાજેતરમાં સાત સિઝન પૂર્ણ કરનાર પોન્ટિંગ અગાઉ ઓસ્ટ્રેલિયાના વચગાળાના T20 કોચ રહી ચૂક્યા છે. તેણે એ નથી કહ્યું કે ભારતીય કોચના પદ માટે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) તરફથી કોઈ સૂચન આવ્યું છે કે નહીં.
રિકી પોન્ટિંગે આપ્યું મોટું નિવેદન
રિકી પોન્ટિંગે આઈસીસીને કહ્યું કે આઈપીએલ દરમિયાન કેટલીક સામસામે વાતચીત થઈ હતી કે તે આ પદમાં રસ ધરાવે છે કે નહીં. તેણે કહ્યું કે મને રાષ્ટ્રીય ટીમનો સિનિયર કોચ બનવું ગમશે પરંતુ મારા જીવનમાં બીજી વસ્તુઓ છે અને હું થોડો સમય ઘરે વિતાવવા માંગુ છું. દરેક વ્યક્તિ જાણે છે કે જો તમે ભારતીય ટીમ સાથે કામ કરો છો તો તમે IPL ટીમ સાથે નહીં જોડાઈ શકો. ઉપરાંત રાષ્ટ્રીય મુખ્ય કોચ એ વર્ષમાં 10 કે 11 મહિનાની નોકરી છે, અને હું તે કરવા માંગતો નથી, તે મારી જીવનશૈલી અને જે વસ્તુઓ કરવાનું મને ખરેખર ગમતું હોય તેમાં બંધબેસતું નથી.
પોન્ટિંગે વધુમાં જણાવ્યું હતું કે તેણે તેના પુત્ર સાથે પ્રસ્તાવ અંગે ચર્ચા કરી હતી અને તે ભારત આવવા માટે તૈયાર જણાતો હતો. તેણે કહ્યું કે મારો પરિવાર અને મારા બાળકોએ છેલ્લા પાંચ અઠવાડિયા મારી સાથે આઈપીએલમાં વિતાવ્યા છે અને તેઓ દર વર્ષે અહીં આવે છે અને મેં મારા પુત્રને તેના વિશે જણાવ્યું હતું. મેં કહ્યું કે પપ્પાને ભારતીય કોચની નોકરીની ઓફર કરવામાં આવી છે અને તેમણે કહ્યું કે સ્વીકારી લો પપ્પા, અમને આવતા થોડા વર્ષો સુધી ત્યાં જવાનું ગમશે. તેઓને ત્યાં રહેવું અને ભારતમાં ક્રિકેટની સંસ્કૃતિ કેટલી પસંદ છે પરંતુ અત્યારે તે કદાચ મારી જીવનશૈલીમાં સંપૂર્ણપણે બંધબેસતું નથી.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા માટે BCCIની શરતો
BCCI અનુસાર, મુખ્ય કોચ બનવા માટે ઉમેદવારે ઓછામાં ઓછી 30 ટેસ્ટ મેચ અથવા 50 ODI મેચ રમી હોવી જોઈએ. અથવા ઉમેદવાર ઓછામાં ઓછા 2 વર્ષ માટે સંપૂર્ણ સભ્ય ટેસ્ટ રમતા દેશના મુખ્ય કોચ હોવા જોઈએ. અથવા ઉમેદવાર 3 વર્ષ માટે કોઈપણ એસોસિયેટ મેમ્બર ટીમ/કોઈપણ IPL ટીમ અથવા આવી કોઈપણ લીગ અથવા ફર્સ્ટ ક્લાસ ટીમ અથવા કોઈપણ દેશની A ટીમનો કોચ હોવો જોઈએ. આ સિવાય BCCI લેવલ-3 કોચિંગ સર્ટિફિકેટ ધારક પણ અરજી કરી શકે છે. પરંતુ ઉમેદવારની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ. આવી સ્થિતિમાં આગામી કેટલાક સપ્તાહ ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે.