Today Gujarati News (Desk)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. BJP દ્વારા તેના સ્થાપના દિવસને ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 6 એપ્રિલના રોજ BJPનો સ્થાપના દિવસ છે આ સાથે જ પાર્ટીની સ્થાપનાને 43 વર્ષ થઈ જશે. BJP દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી બાબા સાહેબ આંબેડકરની જયંતિ સુધી સામાજીક ન્યાય સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે. આ દરમિયાન ગરીબ, શોષિત, વંચિત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના કલ્યાણ માટે લીધેલા પગલાંઓની ચર્ચા થશે.
BJP વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. દેશમાં BJPના સૌથી વધુ સાંસદો, ધારાસભ્યો, કાઉન્સિલરો છે. મોટાભાગના રાજ્યોમાં પાર્ટીની સરકાર છે. સમગ્ર દેશમાં કાર્યકર્તાઓને સ્થાપના દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે પાર્ટીનો ઝંડો ફરકાવવાની સાથે મીઠાઈ અને ફળોનું વિતરણ કરવાનું કહેવામાં આવ્યું છે. દરેક બૂથ પર પીએમનું ભાષણ સાંભળવાની સૂચના આપવામાં આવી છે. દરેક બૂથ અધ્યક્ષના ઘરે પાર્ટીનો ઝંડો ફરકાવવામાં આવે.
બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી પર તમામ બૂથ, મંડળ, જિલ્લા અને રાજ્યના કાર્યાલયો પર બાબા સાહેબના ફોટો પર પુષ્પાંજલી અર્પણ કરવામાં આવે. આસપાસ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે અને મોદી સરકાર દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણ માટે લીધેલા નિર્ણયોની ચર્ચા કરવાનો નિર્દેશ છે. 11 એપ્રિલના રોજ મહાન સમાજ સુધારક અને ચિંતક જ્યોતિ બા ફૂલેની જન્મજયંતી પર તેમના ચિત્ર પર પણ પુષ્પાંજલી અર્પણ કરવાની સૂચના આપવામાં આવી છે.
મોદી સરકાર તથા રાજ્યની BJP સરકારો દ્વારા પછાત વર્ગ માટે લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો અંગે ચર્ચા કરવાની સૂચના આપવામા આવી છે. દરેક જિલ્લામાં પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓનું સમ્માન કરવામાં આવે, બુદ્ધિશાળી વિદ્યાર્થીઓનું સમ્માન કરવામાં આવે, વિનામૂલ્યે આરોગ્ય પરીક્ષણ શિબિર યોજવામાં આવે અને તમામ સાંસદો, ધારાસભ્યો તથા અન્ય જનપ્રતિનિધિઓને આ તમામ કાર્યક્રમોમા હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.