Today Gujarati News (Desk)
આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં 32 ટકાનો ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીના ભાવમાં અસહ્ય વધારો થયો છે. ગુજરાત કોંગ્રસ પ્રવક્તા હિરેન બેંકર કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર સમક્ષ માંગ કરી હતી કે, સરકાર સત્વરે દેશની જનતાને રાહત આપવી જોઇએ. ભાજપ સરકાર દ્વારા પ્રજાની લૂંટ ચલાવી તિજોરી ભરવા મસ્ત છે.
ઇન્ટરનેશનલ ભાવમાં ઘટાડો થવા છતાં સરકારે ભાવ ના ઘટાડ્યો
આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં 32 ટકાનો ઘટાડો થયો હોવા છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવવધારાએ લોકોની કમર તોડી નાંખી છે. ‘અચ્છે દિન’ના વાયદા અને વચન આપનાર ભાજપે દેશ અને ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેવા આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યુ હતુ કે, છેલ્લા 8 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલમાં 32 ટકાનો ઘટાડો અને એલપીજીમાં 40 ટકા જેટલો ઘટાડો છતાં સામાન્ય જનતાને ભાવ ઘટાડાનો લાભ આપવામાં આવતો નથી.
સરકારે ગેસની સબસીડી પણ બંધ કરી
વધુમાં કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યુ હતુ કે, મોંઘવારીને કાબૂમાં લેવાને બદલે ભાજપ સરકાર પ્રજા પર આકરા ટેક્સનો બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે. ભાજપ સરકાર ઈચ્છે તો પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 18 રૂપિયા જેટલો ઘટાડો કરી શકે છે, પરંતુ ભાવ ઘટાડવાને બદલે માત્ર એક જ વર્ષમાં એટલે કે વર્ષ 2021-22માં કેન્દ્ર સરકારે 7.74 લાખ કરોડ નાણાં અને રાજ્ય સરકારે 1.4 લાખ કરોડ ટેક્સ પેટે ઉઘરાવી લીધા છે. પેટ્રોલ-ડીઝલમાં અસહ્ય ભાવ વધારા પાછળ ભાજપ સરકાર અને કંપનીઓ સુનિયોજિત રીતે નગરિકોનાં ખિસ્સા પર લૂંટ ચલાવી રહી છે. છેલ્લા બે વર્ષમાં તુવેર દાળ અને અડદની દાળનો ભાવ અસહ્ય વધીને રૂ.110ને પાર થયો છે. 410માં મળતો સિલિન્ડર આજે ડબલથી પણ વધારે ભાવ સાથે 1100માં મળી રહ્યો છે. ઉપરથી ગેસ સિલિન્ડરમાં મળતી સબસીડી બંધ કરી દીધી છે. વર્ષ 2014માં પેટ્રોલ પ્રતિ લિટર 64 રૂપિયે મળતું હતું. જેને વધારીને 97 અને ડીઝલ પ્રતિ લિટર 54 રૂપિયે મળતું હતું, જે વધીને 92 રૂપિયા પહોંચાડી દેવામાં આવ્યું છે. જે સીએનજી કોંગ્રેસના શાસનમાં 42 રૂપિયે પ્રતિ કિલો મળતો હતો જે ભાજપ સરકારે 84 રૂપિયા પહોંચાડી દીધો છે. જંગી ભાવવધારાએ જનતાની કમર ભાંગી નાખી છે.