મહારાષ્ટ્રના થાણેમાં ગુરુવારે એક કેમિકલ ફેક્ટ્રીમાં જોરદાર વિસ્ફોટ થયો. આ ભીષણ દુર્ઘટનામાં 8 લોકોના મોત નિપજ્યા, જ્યારે 64થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ બપોરે લગભગ 1.40 વાગ્યે ડોંબિવલી મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ એરિયાના ફેઝ-2 સ્થિત અમુદાન કેમિકલ્સમાં એક બોઈલર ફાટ્યું હતું. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેની અસર કેમિકલ ફેક્ટ્રીની આજુબાજુ આવેલી કેટલીક ફેક્ટ્રીઓમાં જોવા મળી. ઘટના બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સાંસદ શ્રીકાંત શિંદે ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે ઘાયલોને આશ્વાસન આપ્યું કે સરકાર તેમના સારવારનો ખર્ચ ઉઠાવશે. મહારાષ્ટ્ર સરકારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ માટે 5 લાખની આર્થિક સહાયતાની જાહેરાત કરી છે.
પ્લાન્ટમાં કેટલાંક લોકો ફસાયા હોવાની આશંકા
પ્લાન્ટની અંદર હજુ પણ કેટલાંક લોકો ફસાયા હોવાની આશંકા છે. બોઇલર બ્લાસ્ટ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ લગભગ 5 કિલોમીટર વિસ્તારમાં સંભળાઈ હતી, જ્યારે કે તેની અસર 2 કિલોમીટર વિસ્તારમાં જોવા મળી. વિસ્ફોટને પગલે ફેક્ટ્રી, દુકાનો અને રહેણાંક ઘરોના કાચ તૂટી ગયા જેનાથી સ્થાનિક લોકો ઘાયલ થયા.
કઈ રીતે લાગી બોઇલરમાં આગ?
ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું કે, આ ઘટના અમુદાન કેમિકલ પ્રાઈવેટ લિમિટેડમાં થઈ. જ્યારે ફેક્ટ્રીની અંદર કામ કરતા લગભઘ 10 લોકો બોઇલરમાં કંઈક કેમિકલ પ્રોસેસિંગનું કામ કરી રહ્યાં હતા ત્યારે બોઇલર ફાટ્યું અને આગ લાગી. બોઇલરના ટૂકડાં લગભગ 1.5 કિલોમીટરના વિસ્તારમાં પડ્યા જેનાથી અનેક કંપનીઓને નુકસાન થયું. રસ્તા પરના ઘરો અને દુકાનોના કાચ તૂટ્યા અને બારીઓ ક્ષતિગ્રસ્ત થઈ.
આજુબાજુની ત્રણ કંપનીઓ અને શો રુમમાં આગ, 12 ગાડીઓ બળીને ખાક
અમુદાન કેમિકલ ફેક્ટ્રીમાં વિસ્ફોટના કારણે લાગેલી આગ આજુબાજુની ત્રણ કંપનીઓ સુધી ફેલાઈ, જેના કારણે તેમણે પણ ઘણું નુકસાન થયું. એટલું જ નહીં થોડાં જ અંતરે એક કાર ડીલરના શો રુમ સુધી આગ ફેલાઈ, જેમાં લગભગ 12 ગાડીઓ બળીને ખાક થઈ ગઈ. આગ લાગ્યા બાદ કલ્યાણ-ડોબિંવલી મહાનગર પાલિકા, થાણે, ઉલ્હાસનગર, નવી મુંબઈથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી.