Today Gujarati News (Desk)
નર્મદા પરિક્રમા પૂર્ણ થવાને હવે માત્ર 1 દિવસ જ બાકી છે. ત્યારે નર્મદા પરિક્રમા માટે આવેલા સુરતના લોકો જે હોડીમાં બેઠા હતા તે પલ્ટી મારી ગઈ હોવાની માહિતી સામે આવી છે. એન્જિન વગરની હોડીમાં 6 પરિક્રમાર્થીઓ બેઠા હતા. માછીમારી માટે વપરાતી આ હોડીમાં લાઈફ જેકેટની પણ વ્યવસ્થા હતી નહીં.
નર્મદા પરિક્રમા કરવા સુરતથી આવનારા કેટલાક શ્રદ્ધાળુઓ સાથે દુર્ઘટના બની છે. નર્મદા પરિક્રમા માટે હોડીમાં બેસનારની હોડી પલટી ગઇ હતી. જો કે નર્મદા જિલ્લા તંત્રએ તહેનાત કરેલી SDRFની ટીમે આ તમામ લોકોને બચાવી લીધા હતા. SDRFની ટીમે તાત્કાલિક ધોરણે સ્વીમીંગ પ્રોટેક્શન રીંગ નાખીને લોકોને ડુબવા દીધા ન હતા. જે પછી SDRFની બોટમાં તમામને બેસાડીને બચાવી લીધા હતા.
પરિક્રમા માટે આવનારા શ્રદ્ધાળુઓ આ હોડીઓમાં સેફ્ટી માટેના કોઇ સાધન ન હોવા છતા બેસતા હોય છે. તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે નાવડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ઉતાવળમાં નદી પાર કરવા આવા હોડીનો સહારો પરિક્રમવાસીઓ લેતા હોય છે. જેના કારણે આવી દુર્ઘટના બનતી હોય છે. જેનું પરિણામ બાદમાં તેમને ભોગવવું પડતું હોય છે. ત્યારે આજે પણ વહેલી સવારે દુર્ઘટના બની હતી. જો કે સદનસીબે ડુબેલા તમામ લોકોને બચાવી લેવાયા છે.