Today Gujarati News (Desk)
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ બીજી વખત હતું જ્યારે ટીમ ઈન્ડિયાને WTC ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ એક વાત નક્કી છે કે આગામી સમયમાં ટીમ ઈન્ડિયામાં કેટલાક મોટા ફેરફાર થવાના છે. ખાસ કરીને ટીમના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાના પ્રદર્શન બાદ ટીમમાં તેના સ્થાન પર ઉગ્ર સવાલો ઉઠ્યા હતા. જો કે આ દરમિયાન આ ખેલાડીએ એક મોટો નિર્ણય લીધો.
ચેતેશ્વર પૂજારા ઈંગ્લેન્ડ જશે
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પછી તરત જ ચેતેશ્વર પૂજારા ફરી એકવાર કાઉન્ટી માટે રમવા ઈંગ્લેન્ડ પહોંચશે. પૂજારા કાઉન્ટીમાં સસેક્સ તરફથી રમશે. પૂજારાએ WTC ફાઈનલ પહેલા આ સિઝનમાં સસેક્સ માટે 6 મેચ રમી છે અને તેણે 8 ઇનિંગ્સમાં ત્રણ સદી અને એક અડધી સદી ફટકારી છે.
કાઉન્ટીમાં શાનદાર પ્રદર્શન
પૂજારાએ એપ્રિલમાં તેની કાઉન્ટી સિઝનની શરૂઆત ડરહામ સામે સદી સાથે કરી હતી અને ગ્લુસેસ્ટરશાયર અને વર્સેસ્ટરશાયર સામે સદી ફટકારી હતી. તેણે રમેલી 6 મેચોમાં તે સસેક્સનો કેપ્ટન પણ હતો, જ્યાં તેણે 68.12ની એવરેજથી 545 રન બનાવ્યા હતા. તે ગયા વર્ષની જેમ રોયલ લંડન કપમાં પણ ભાગ લેશે.
અર્શદીપ કાઉન્ટી રમી રહ્યો છે
હાલમાં, કાઉન્ટી સર્કિટમાં એકમાત્ર ભારતીય ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ છે, જે તેની પ્રથમ કાઉન્ટી સિઝનમાં કેન્ટ માટે રમી રહ્યો છે. તેણે અત્યાર સુધી એક મેચમાં 90 રન આપીને 2 વિકેટ લીધી છે. અને આ સીઝન માટે લેસ્ટરશાયરએ ટીમ ઈન્ડિયાના અન્ય સ્ટાર ખેલાડી અજિંક્ય રહાણેને સાઈન કર્યા છે.