ગુજરાતમાં આગામી પાંચ દિવસ એટલે કે 20થી 24 મે સુધી આકાશમાંથી અગનજ્વાળા આવતી હોય તેવી ગરમી અનુભવાશે. રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને બનાસકાંઠા સહિત 11 જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ અને વડોદરામાં રાત્રીના સમયે પણ ગરમી વધુ પડશે.
24 મે સુધી આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
20થી 24 મે સુધી ગુજરાતમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સુરત અને વલસાડમાં હિટ વેવના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે અને કાલે આ જિલ્લાઓમાં રાત્રે પણ ગરમી પડશે
હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રાત્રીના સમયે ગરમ પવન ફૂંકાઈ શકે છે. જેના પગલે એ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે અમદાવાદ, ભાવનગર અને વડોદરામાં રાત્રીના સમયે વધુ ગરમીનો અનુભવ થશે જેના પગલે રાત્રીના સમયે યલો એલર્ટ જાહેર કરાયું છે.
સમુદ્ર કાંઠામાં ગરમ પવનો ફૂંકાશે
આ ઉપરાંત રાજ્યના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગરમ પવનો ફૂંકાશે અને ભેજયુક્ત હવામાન જોવા મળશે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં ગરમ પવન ફૂંકાશે અને ભેજયુક્ત હવામાન રહી શકે છે.