Today Gujarati News (Desk)
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં આજે CBI સમક્ષ હાજર થનાર સીએમ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં કાશ્મીરી ગેટ પર વિરોધ કરી રહેલા AAP કાર્યકરોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. AAP કાર્યકર્તાઓના વિરોધને જોતા દિલ્હી પોલીસે CBI હેડક્વાર્ટરની બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પેરામિલિટ્રી ફોર્સ ઉપરાંત મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સીબીઆઈ હેડક્વાર્ટર તરફ જતા માર્ગો પર બેરિકેડિંગ કરીને ફક્ત ઓળખ કાર્ડના આધારે જ પ્રવેશની મંજૂરી છે.
AAP નેતાઓ અને કાર્યકરો CBI સમક્ષ સીએમ અરવિંદ કેજરીવાલની હાજરીનો વિરોધ કરી રહ્યા છે. CBIના આ નિર્ણય વિરુદ્ધ આજે દિલ્હીના 15 અલગ-અલગ વિસ્તારોમાં AAP નેતાઓ અને કાર્યકરોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં જે વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે તેમાં આનંદ વિહાર, આઈટીઓ ચોક, મુકરબા ચોક, પીરા ગઢી ચોક, લાડો સરાય ચોક, ક્રાઉન પ્લાઝા ચોક, દ્વારકા મોર સેક્ટર 6 અને સેક્ટર 2 ઈન્ટરસેક્શન, પેસિફિક વાલા ચોક, સુભાષ નગર મોર, પ્રેમ વાડી ચૌરાહા રીંગ રોડ, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન અજમેરી ગેટ સાઇડ, બડા હનુમાન મંદિર કરોલ બાગ ચોક, IIT ક્રોસિંગ, ISBT કાશ્મીરી ગેટ, રાજઘાટ, NH 24 મુર્ગા મંડી ગાઝીપુર પાસે અને અન્ય વિસ્તારો સામેલ છે.
અગાઉ ફેબ્રુઆરીમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અલગ-અલગ સ્થળોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યારે EDએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તે સમયે મનીષ સિસોદિયા ED સમક્ષ હાજર થતા પહેલા AAP નેતાઓ અને કાર્યકરો સાથે રાજઘાટ પહોંચી ગયા હતા. EDએ મનીષ સિસોદિયાની ઘણા કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ તિહાર જેલમાં બંધ છે અને હજુ સુધી તેમને જામીન નથી મળ્યા.