બંગાળની ખાડીમાં આજે સાંજે ચક્રવાતી તોફાન રેમલ ત્રાટકશે. પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ‘ડીપ ડિપ્રેશન’ની રચનાને કારણે જોરદાર પવન ફૂંકાશે. IMD ના રિપોર્ટ મુજબ, રવિવારે મધ્યરાત્રિએ રેમલ ચક્રવાતી તોફાન ભયંકર રૂપ ધારણ કરી શકે છે, જે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની વચ્ચેથી પસાર થશે.
IMD એ ભયંકર તોફાનની ચેતવણી આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં આવેલા આ વાવાઝોડાને કારણે આસપાસના રાજ્યોમાં હવામાન બદલાશે.
તેની અસર મુખ્યત્વે બિહાર અને ઓડિશામાં જોવા મળશે. અહીંના લોકોને ગરમીથી રાહત મળશે, કારણ કે તાપમાનમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે.
26 મી મેના રોજ મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વાવાઝોડાની તીવ્રતાના કારણે ભારે વરસાદની સંભાવના છે. આ સાથે મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુર, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયા બાદ ચક્રવાત રેમલ બાંગ્લાદેશના કિનારે પહોંચશે. 110-120 થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથેનું તીવ્ર ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરશે.