Business News: ભારતના અર્થતંત્રનો મજબૂત વિકાસ જળવાઈ રહેશે તેવી અપેક્ષા સાથે મૂડી’સ બાદ હવે ફીચ રેટિંગ્સે પણ આગામી નાણાં વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૪-૨૫ માટે ભારતના આર્થિક વિકાસ દર (જીડીપી) અંદાજ વધારી ૭ ટકા કર્યો છે જે અગાઉ ૬.૫૦ ટકા મુકાયો હતો. બીજી બાજુ ચીનના જીડીપી અંદાજમાં ઘટાડો કરાયો છે.
આગામી નાણાં વર્ષના જુલાઈથી ડિસેમ્બરના ગાળામાં રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કરશે તેવી પણ ધારણાં છે. ૨૦૨૪ના અંત સુધીમાં રિટેલ ફુગાવો તબક્કાવાર ઘટી ૪ ટકા પર આવી જવાની આશા છે.
ચીનને બાદ કરતા ઊભરતી બજારો ખાસ કરીને ભારતનું ભાવિ ઉજળુ હોવાનું ફીચ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું. વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૮૦ ટકા તથા આગામી નાણાં વર્ષમાં ૭ ટકા રહેવા અપેક્ષા છે. બન્ને વર્ષના અંદાજમાં નોંધપાત્ર વધારો કરાયો છે.
સતત ત્રણ ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર આઠ ટકાની ઉપર રહ્યો છે.
દરમિયાન ૨૦૨૪માં ચીનનો આર્થિક વિકાસ દર ૪.૬૦ ટકાથી ઘટાડી ૪.૫૦ ટકા કરાયો છે. ચીનમાં પ્રોપર્ટી ક્ષેત્રના ધૂંધળા ભાવિ તથા ફુગાવાજન્ય દબાણમાં વધારો થઈ રહ્યો છે.
ચીનના સત્તાવાળા સતત રાજકોષિય ટેકા પૂરા પાડી રહ્યા છે જેને પરિણામે ભાવિ સ્થિતિ પર પ્રતિકૂળ અસર હળવી થઈ રહી છે, એમ પણ રેટિંગ એજન્સીએ રિપોર્ટમાં જણાવ્યું હતું.
આ અગાઉ મૂડી’સે પણ તાજેતરમાં ભારતના જીડીપી અંદાજને ૬.૧૦ ટકાથી વધારી ૬.૮૦ ટકા કર્યો હતો.
૨૦૨૩ના અંતિમ ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર અપેક્ષા કરતા સારો રહી ૮.૪૦ ટકા રહ્યો હતો, જે દોઢ વર્ષની ઊંચી સપાટીએ હતો.