Today Gujarati News (Desk)
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હીમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ લે તેવી શક્યતા નથી. સમાચાર એજન્સી રોયટર્સે સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શી જિનપિંગના સ્થાને બેઇજિંગનું પ્રતિનિધિત્વ ચીનના વડાપ્રધાન લી કિઆંગ કરશે.
જણાવી દઈએ કે વિશ્વના G20 નેતાઓની સમિટ નવી દિલ્હીમાં 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ સમિટ ભારતમાં વિશ્વ નેતાઓની સૌથી મોટી બેઠકોમાંની એક હોવાની અપેક્ષા છે. ભારતે 1 ડિસેમ્બર, 2022 ના રોજ ઇન્ડોનેશિયા પાસેથી G20 અધ્યક્ષપદ સંભાળ્યું.
LACને લઈને ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી મડાગાંઠ હજુ યથાવત છે. બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા છે પરંતુ સ્થિતિ સંતોષકારક હોવાનું કહેવાય નથી.
ચીન તેની વિસ્તરણવાદી નીતિઓના ભાગરૂપે તેની સરહદે આવેલા દેશોની સરહદો પર અતિક્રમણ કરી રહ્યું છે. જૂન 2020 માં, ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો અને ચીની PLA સૈનિકો વચ્ચેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે ચીની સૈનિકોને ઘણી મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી. જે બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ખાસ્સી બગડી ગયા હતા. LAC પર બંને દેશોની સેના આમને-સામને હતી.
આ દરમિયાન બ્રિક્સ સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થઈ હતી. પરંતુ આ સમય દરમિયાન પણ LAC પર ચીનના વલણમાં કોઈ ફેરફાર થયો નથી.