WPL 2024: વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝનમાં અત્યાર સુધીમાં 14 મેચ રમાઈ છે, જેમાંથી ગુજરાત જાયન્ટ્સ ટીમનું ખૂબ જ શરમજનક પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ અત્યાર સુધી રમાયેલી 5 મેચમાંથી માત્ર એક જ જીતી શકી છે. હવે ગુજરાત જાયન્ટ્સને તેની સ્ટાર ઓલરાઉન્ડર હરલીન દેઓલના રૂપમાં મોટો ફટકો પડ્યો છે, જે ઈજાના કારણે સિઝનની બાકીની મેચોમાં રમતી જોવા નહીં મળે. ગુજરાત જાયન્ટ્સે તેમના સત્તાવાર નિવેદનમાં હરલીનની બાકાત વિશે માહિતી આપી હતી જેમાં તેણે 29 વર્ષીય ભારતી ફુલમાલીને તેના સ્થાને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરી છે.
હરલીન દેઓલ ઘૂંટણની ઈજાને કારણે બહાર
આ સિઝનમાં બેંગલુરુમાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે હરલીન દેઓલને તેના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ પછી તે મેચમાં ફરીથી મેદાનમાં ઉતરી ન હતી. આ સિઝનમાં હરલીનનું પ્રદર્શન પણ વધારે સારું નહોતું અને 3 મેચમાં તે 16ની એવરેજથી માત્ર 48 રન જ બનાવી શકી હતી.
તેના રિપ્લેસમેન્ટ પ્લેયર ફુલમાલી વિશે વાત કરીએ તો તે ડોમેસ્ટિક ક્રિકેટમાં વિદર્ભ ટીમ માટે રમે છે, આ સિવાય વર્ષ 2019માં ફુલમાલી ભારતીય ટીમ માટે 2 T20 મેચ પણ રમી ચૂકી છે. ગુજરાતની ટીમને સિઝનની શરૂઆત પહેલા વધુ બે મોટા આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો જ્યારે અનકેપ્ડ ફાસ્ટ બોલર કાશવી ગૌતમ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડી લોરેન ચેટલીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
સ્નેહ રાણાની ઈજા ટીમ માટે ચિંતાનું કારણ છે
ગુજરાત જાયન્ટ્સ ટીમ તેની છેલ્લી 2 મેચમાં વાઇસ-કેપ્ટન સ્નેહ રાણા વિના રમી હતી. રોયલ ચેલેન્જર બેંગ્લોર સામેની મેચ બાદ જ્યારે ટીમની કેપ્ટન બેથ મૂનીને તેની ફિટનેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને પણ રાણાની વાપસી અંગે કોઈ માહિતી નહોતી. ગુજરાત જાયન્ટ્સની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે, જેમાં ટીમ 5 મેચ રમ્યા બાદ માત્ર 1 જીતી શકી છે. ગુજરાતની ટીમ તેની આગામી મેચ 9 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ વિમેન્સ ટીમ સામે રમવાની છે.