Today Gujarati News (Desk)
ગુજરાતના અમદાવાદમાં 2002ના રમખાણો દરમિયાન 28 ફેબ્રુઆરીના રોજ નરોડા ગામમાં મુસ્લિમ પરિવારોને ઘેરીને 11 લોકોની હત્યા કરવાના કેસમાં સ્પેશિયલ કોર્ટ 20 એપ્રિલ, ગુરુવારે પોતાનો ચુકાદો આપશે.
ગુજરાત રમખાણોના કેસોની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર એક વિશેષ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી, ન્યાયમૂર્તિ એસકે બક્ષીએ નરોડા ગમ કેસમાં તમામ પક્ષકારોને સાંભળ્યા પછી પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ડો. માયાબેન કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સહિત 86 આરોપીઓ સામે રમખાણ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી હતી. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 18 આરોપીઓના મોત થયા છે. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ, સાબરમતી એક્સપ્રેસની બોગી એસ-6ને ગોધરામાં જ્વલનશીલ સામગ્રી નાખીને આગ લગાડવામાં આવી હતી, જેમાં 58 કાર સેવકો માર્યા ગયા હતા.
વીએચપી, બજરંગ દળ અને અન્ય હિંદુવાદી સંગઠનોએ 28 ફેબ્રુઆરીએ આ હત્યાકાંડના વિરોધમાં ગુજરાત બંધનું આહ્વાન કર્યું હતું. 28 ફેબ્રુઆરીના રોજ, ગુસ્સે ભરાયેલા ટોળાએ નરોડા ગામના મુસ્લિમ વિસ્તાર પર હુમલો કર્યો અને 18 પુરુષો અને સ્ત્રીઓની હત્યા કરી.
સરકારી વકીલ સુરેશ શાહના જણાવ્યા અનુસાર, આ કેસ લગભગ 13 વર્ષથી વિશેષ અદાલતમાં ચાલ્યો હતો, અત્યાર સુધીમાં 6 જજ બદલાયા છે. જસ્ટિસ એસ.એચ. વોરાએ SIT રિપોર્ટ પર સુનાવણી શરૂ કરી, તેઓ હાઈકોર્ટમાં ગયા બાદ જસ્ટિસ જ્યોત્સના યાજ્ઞિક, જસ્ટિસ કે.કે.ભટ્ટ, જસ્ટિસ પી.બી.દેસાઈ આવ્યા અને રિટાયર્ડ થયા, તેમની પછી આવેલા જસ્ટિસ એમ.કે.દવેની બદલી કરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભાજપના પૂર્વ મંત્રી ડો. માયાબેન કોડનાનીની તરફેણમાં સાક્ષી તરીકે હાજર થયા છે. બચાવ પક્ષ દ્વારા 187 સાક્ષીઓ અને 57 નજરે જોનાર સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302, 307, 143, 147, 148, 153 અને 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે નરોડા પાટિયા કેસમાં ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી ડૉ. કોડનાનીને વિશેષ અદાલતે 28 વર્ષની સજા ફટકારી હતી, જે બાદમાં હાઈકોર્ટે રદ કરી હતી. નરોડા પાટિયામાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી. પોતાના બચાવમાં કોડનાનીએ સ્પેશિયલ કોર્ટને કહ્યું હતું કે તે ઘટના સમયે ગુજરાત વિધાનસભામાં હાજર હતી.