Gujarat News: આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેને લઇને જામનગર સહિત તમામ શહેરોના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. જામનગરમાં ઉનાળાના પ્રારંભની સાથે જ તાપમાન 37 થી 38 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. જેને લઇને શહેરીજનો ગરમીથી અકળાયા છે. હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં આગામી ચાર દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે.
23 થી લઇ 26 માર્ચ સુધી હીટવેવની અસર વર્તાશે. જેની જામનગરમાં પણ અસર પડી શકે છે. હીટવેવથી બચવા માટે અમુક સૂચનો જારી કરાયા છે. જેનું પાલન કરવું જરૂરી બન્યું છે.
ગરમીના દિવસોમાં લૂની અસરથી બચવા માટે જામનગરના લોકોએ હીટવેવ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. શરીર અને માથું ઢાંકીને રાખવું જોઇએ. સફેદ રંગના અને ખુલ્લા વસ્ત્રો પહેરવા જોઈએ. છત્રીનો ઉપયોગ કરવો જોઇએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધ નાગરિકો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ.
આ ઉપરાંત સીધા સુર્યપ્રકાશથી બચવું જોઈએ…
આ ઉપરાંત સીધા સુર્યપ્રકાશથી બચવું જોઈએ. વારંવાર ઠંડુ પાણી, લીંબુ શરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ-મીઠાનું દ્રાવણ અને ઓ.આર.એસ.લીકવીડ પૂરતા પ્રમાણમાં પીવા જોઈએ. બાળકો માટે કેસુડાના ફૂલ અને લીમડાના પાનનો સ્નાન માટેના પાણીમાં ઉપયોગ કરવો જોઈએ.
શરીરનું તાપમાન નીચું આવે ત્યારે જ સ્નાન કરવું જોઈએ. છાંયડામાં રહેવું જોઇએ. બજારનો ખુલ્લો ખોરાકના ખાવો અને બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ન કરવો જોઈએ. દૂધ અને માવામાંથી બનેલી ફૂડ આઈટેમ્સ, ચા-કોફી અને આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરના 2 થી 4 કલાક સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
ગરમીના દિવસોમાં માથાનો દુઃખાવો, પગની પીંડીઓમાં દુઃખાવો, શરીરનું તાપમાન ખુબ વધી જવું, ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલ્ટી-ઉબકા થવા, ચક્કર આવવા, આંખે અંધારા આવી જવા, બેભાન થઈ જવું, મૂંઝવણ થવી અને અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી એ લૂ લાગવાના મુખ્ય લક્ષણો છે.