તપતું ગુજરાત : એપ્રીલ મહિનામાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ વધી શકે છે. આઇએમડી દ્વારા આ આગાહી કરવામાં આવી છે. ભારતના મૌસમ વિજ્ઞાન વિભાગ (આઇએમડી)એ એપ્રિલથી જુન દરમિયાન ભીષણ ગરમી પડવાની સાથે હિટવેવના દિવસોમાં વધારો થવાની ચેતવણી આપી દીધી છે. આ સાથે જ વર્ષ ૨૦૨૪ના વર્ષનો ઉનાળો આકરો રહેવાની શકયતા છે. અતિ ગરમીના લીધે હવામાનમાં નાટયાત્મક પલટો આવવાથી કયાંક વરસાદ પણ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા ૨૦૨૪નું તાપમાન અને વરસાદ અંગેનો માસિક આઉટલૂક પણ બહાર પાડવામાં આવ્યો છે.
ભારત હવામાન વિભાગએ એપ્રિલ મહિનામાં હીટવેવની આગાહી કરી છે.IMD એ બુધવારે આગાહી કરતા કહ્યુ હતુ કે 3 થી 6 એપ્રિલ દરમિયાન પુર્વના ભાગોમાં ગરમીની લહેર જોવા મળશે. એપ્રિલ દરમિયાન તાપમાન સામાન્ય કરતા ઉપર રહેવાની શકયતા છે. આ ઉપરાંત પૂર્વ અને ઉત્તર-પૂર્વના ભારતના કેટલાક ભાગોમાં ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્યથી થોડું નીચું પણ જોવા મળશે. જયારે દેશના મોટા ભાગમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. આ સિવાય IMD એ કહ્યું કે 4 થી 6 એપ્રિલ દરમિયાન ઝારખંડ, રાયલસીમા અને કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ હીટ વેવની સ્થિતિ છે. હવામાન વિભાગે તાજેતરમાં કહ્યું હતું કે ભારતમાં એપ્રિલથી જૂન સુધી ભારે ગરમી રહેશે. મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગો પર તેની સૌથી વધુ અસર થઇ શકે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે.
આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ગરમીની સૌથી વધુ અસર ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં થઈ શકે છે. IMDએ જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વ ભારતમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા સહિત ઘણા રાજ્યોમાં સાત એપ્રિલ સુધી વરસાદ અને વાવાઝોડું આવી શકે છે. મૌસમ વિભાગ માને છે કે વર્ષની શરુઆતથી જ અલ નીનોની સ્થિતિ નબળી પડી ગઇ છે અને વર્તમાનમાં ભૂમધ્યરેખાના પ્રશાંત ક્ષેત્રમાં મધ્યમ પ્રકારના અલનીનોની સ્થિતિ જળવાઇ રહી છે.
લૂ’થી કેવી રીતે બચી શકાય?
લૂ’ લાગવી તે હીટ સ્ટ્રોક જેવી પરિસ્થિતિ છે, તાત્કાલિક ઈલાજ કરાવવામાં ના આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. લૂ’થી કેવી રીતે બચી શકાય તે અંગે અહીંયા કેટલાક જરૂરી ઉપાય જણાવવામાં આવ્યા છે.
કોટનના આરામદાયક કપડાં પહેરો- લૂ’થી બચવા માટે ભીષણ ગરમીમાં બહાર ના નીકળવું જોઈએ. જો બહાર નીકળવું જ પડે તો કોટનના કપડા પહેરીને બહાર નીકળવું. બહાર નીકળતા સમયે ચહેરો અને શરીરના અન્ય ભાગોને કવર કરી લેવા જોઈએ.
હાઈડ્રેટેડ રહો- ગરમીમાં શરીરમાં પરસેવો વધુ નીકળે છે. આ કારણોસર જો વધુ પાણી પીવામાં ના આવે તો શરીરમાં પાણી ઓછું થઈ શકે છે, જેથી લૂ’ લાગવાની અને હીટ સ્ટ્રોકની સંભાવના રહે છે. જેથી ગરમીમાં લિક્વિડનું વધુ સેવન કરવું જોઈએ. હાઈડ્રેટેડ રહેવા માટે પાણી તથા ઠંડા પીણાનું સેવન કરવું. ડિહાઈડ્રેશન થાય તો ચક્કર આવવા, થાક લાગવા જેવી સમસ્યા થઈ શકો છો.
જ્યૂસ અને નારિયેળ પાણીનું સેવન- ગરમીમાં સ્વસ્થ રહેવું જરૂરી છે. શરીરને અંદરથી ઠંડક આપવી ખૂબ જ જરૂરી છે. આ કારણોસર ગરમીમાં નારિયેળ પાણીની સાથે મોસંબીનું જ્યૂસ અને સંતરાના જ્યૂસનું સેવન કરો.
વિટામીન C યુક્ત ફળનું સેવન કરો- ભીષણ ગરમીથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. આ કારણોસર વિટામીન C યુક્ત ફળનું સેવન કરવું જોઈએ. તરબૂચ, ટેટી જેવા ફળોનું પણ સેવન કરી શકાય છે, જેમાં પાણીની વધુ માત્રા રહેલી હોય છે.
મસાલેદાર ભોજનનું વધુ સેવન ના કરવું- ગરમીમાં વધુ તળેલું અને મસાલેદાર ભોજન ના કરવું જોઈએ. લૂ’ અને હીટસ્ટ્રોકથી બચવા માટે ઘરના ભોજનનું જ સેવન કરવું જોઈએ. ભોજનમાં લીલા શાકભાજી અને ફળને જરૂરથી શામેલ કરવા જોઈએ.