Today Gujarati News (Desk)
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે શ્રેણીની બીજી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમની નજર નવા વર્ષમાં સતત બીજી વનડે શ્રેણી જીતવા પર છે. પ્રથમ વનડે માં ભારે રસાકસી બાદ ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 3 મેચની શ્રેણીની બીજી વનડેમાં રાયપુરમાં આમને-સામને ટકરાઇ છે. આ મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાય છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતીય ટીમે 12 રને જીત મેળવી હતી.
ભારતનો લક્ષ્યાંક આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવાનો રહેશે. આ સાથે જ કિવી ટીમની નજર પલટવાર પર રહેશે. ઉલ્લેખનિય છે કે છેલ્લા 34 વર્ષથી ન્યુઝીલેન્ડની ટીમ ભારતમાં પ્રથમ વનડે શ્રેણી જીતવાની રાહ જોઈ રહી છે. ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતીય બોલરોએ શરૂઆતથી જ સરસ બોલિંગ કરી હતી. પહેલી જ ઓવરમાં મોહમ્મદ શમીએ બ્રેક અપાવ્યો હતો અને ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ ખેરવી દીધી હતી. શમીએ ત્યાર પછી શાનદાર બોલિંગ શરૂ રાખી હતી અને ભારત તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. શમીએ એક મેડન ઓવર ફેંકી હતી.