Today Gujarati News (Desk)
સુદાનમાં સુરક્ષાની ખરાબ સ્થિતિ વચ્ચે ભારતીયો સહિત ઘણા દેશોના નાગરિકો ત્યાં અટવાઈ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અધિકારીઓને સંઘર્ષગ્રસ્ત દેશમાં ફસાયેલા લગભગ 3,000 ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે કટોકટી યોજના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમેરિકા, બ્રિટન, જર્મની, સ્પેન, જાપાન અને દક્ષિણ કોરિયા એવા દેશોમાં સામેલ છે જે સુદાનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની યોજના પર કામ કરી રહ્યા છે.
PM મોદીએ સુદાનમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.
ખાલી કરાવવાની યોજનાઓ બનાવવા માટેની સૂચનાઓ
બેઠકમાં, વડા પ્રધાને ઝડપથી બદલાતી સુરક્ષા પરિસ્થિતિ અને વિવિધ વિકલ્પોની વ્યવહારિકતાને ધ્યાનમાં રાખીને, કટોકટીની સ્થિતિમાં સલામત રીતે સ્થળાંતર યોજનાઓ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. બેઠકમાં પીએમ મોદીએ ગયા અઠવાડિયે ગોળી વાગવાથી ઘાયલ થયેલા ભારતીય નાગરિકના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.
‘ભારતીયોને શક્ય તમામ મદદ પૂરી પાડવી જોઈએ’
વડા પ્રધાને “તમામ સંબંધિત સત્તાવાળાઓને સતર્ક રહેવા, વિકાસની નજીકથી દેખરેખ રાખવા અને સુદાનમાં ભારતીય નાગરિકોની સલામતીનું સતત મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે.” તેમણે કહ્યું કે હિંસાગ્રસ્ત વિસ્તારમાં ભારતીયોને તમામ શક્ય સહાયતા આપવી જોઈએ.
વડા પ્રધાને સુદાન તેમજ આ ક્ષેત્રના પડોશી દેશો સાથે ગાઢ સંબંધો જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, જ્યાં ભારતીયોની નોંધપાત્ર હાજરી છે.
આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર (જેમણે ગયાનાથી હાજરી આપી હતી), રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સુદાનમાં રાજદૂત બીએસ મુબારક સહિત અન્ય લોકોએ હાજરી આપી હતી.
જણાવી દઈએ કે વિદેશ મંત્રી એસ. જયશંકરે પહેલાથી જ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓ સાથે સુદાનની સ્થિતિ અંગે ચર્ચા કરી છે અને ભારતીયોની સુરક્ષા માટે વ્યવહારિક સહયોગની ખાતરી આપી છે. ગુરુવારે, તેમણે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે સુદાનમાં બગડતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. આ ચર્ચામાં, તેઓએ રાજદ્વારી પ્રક્રિયાઓ દ્વારા જમીની સ્તરે વ્યવહારિક યુદ્ધવિરામ લાગુ કરવાના વિકલ્પો વિશે વાત કરી.
સુદાનમાં ઘોર લડાઈ
સુદાનમાં દેશની નિયમિત સેના અને રેપિડ સપોર્ટ ફોર્સ નામના અર્ધલશ્કરી જૂથ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી ઘાતક લડાઈ ચાલી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના તાજેતરના ડેટા અનુસાર, હિંસામાં અત્યાર સુધીમાં 413 લોકો માર્યા ગયા છે અને 3,551 લોકો ઘાયલ થયા છે.
ગુરુવારે ન્યુયોર્કમાં યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરનાર જયશંકરે દેશની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને ઇજિપ્તમાં તેમના સમકક્ષો સાથે પણ વાત કરી છે.