Today Gujarati News (Desk)
પ્રભાવશાળી ખેલાડી અને સુકાની સુનીલ છેત્રીએ ગોલ કર્યો અને ભારતે ઈન્ટરકોન્ટિનેન્ટલ કપની બીજી મેચમાં વનુઆતુને 1-0થી હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું. આખી મેચમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો પરંતુ વિશ્વમાં 164મા ક્રમે આવેલા વનુઆતુના ડિફેન્સે મેચની શરૂઆતમાં જ સારો દેખાવ કર્યો હતો.
સુનીલ છેત્રીએ અજાયબી કરી બતાવી
સુનિલ છેત્રીએ મેચની 81મી મિનિટે સુભાષીષ બોઝ દ્વારા બોક્સ તરફ મોકલવામાં આવેલ બોલને ગોલ પોસ્ટમાં નાખ્યો અને ભારતીય ટીમને લીડ અપાવી. સક્રિય ખેલાડીઓમાં સુનીલ છેત્રી સૌથી વધુ ગોલ કરવાના મામલે ત્રીજા નંબર પર છે. ગોલ કર્યા બાદ સુનીલ છેત્રીએ સંકેત આપ્યો કે તે જલ્દી પિતા બનવા જઈ રહ્યો છે. તેણે બોલને તેની ટી-શર્ટની અંદર મૂકીને તેની પત્નીને સમર્પિત કર્યો. સ્ટેડિયમમાં છેત્રીની પત્ની પણ હાજર હતી.
પોઈન્ટ ટેબલમાં ભારત નંબર વન છે
આ પહેલા ભારતે તેની શરૂઆતની મેચમાં મંગોલિયાને 2-0થી હરાવ્યું હતું. ભારત બે મેચમાં છ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ભારતીય ટીમ તેની છેલ્લી રાઉન્ડ રોબિન મેચમાં લેબનોન સામે ટકરાશે. ભારતીય ટીમ અત્યારે વર્લ્ડ રેન્કિંગમાં 101માં નંબર પર છે.
ભારતીય ખેલાડીઓ પ્રભાવિત
વનુઆતુ સામે, ભારતીય ટીમનો પ્રારંભિક હાફમાં બોલ પર 62 ટકા કબજો હતો અને તેણે ગોલ કરવાના 13 પ્રયાસો કર્યા હતા. વિશ્વમાં 164મા ક્રમે આવેલી વનુઆતુની ટીમ આ સમયગાળા દરમિયાન એક પણ વખત ભારતીય ગોલ પોસ્ટને ફટકારી શકી નથી. ડેબ્યૂ નંદકુમાર સેકરે પ્રભાવિત કર્યા પરંતુ તેણે ગોલ કરવાની ઘણી તકો વેડફી નાખી. તેની પાસે 36મી મિનિટે ભારતને લીડ અપાવવાની સુવર્ણ તક હતી જ્યારે મહેશ નૌરેમે તક ઉભી કરી હતી પરંતુ તેણે બોલ ગોલ પોસ્ટની વાઈડમાં ફટકાર્યો હતો.
ત્યારબાદ મહેશ નૌરેમે ગોલ કરવાની વધુ તકો ઉભી કરી હતી. મેચની 40મી મિનિટે છેત્રી જમણી બાજુથી પોતાના ક્રોસને કન્વર્ટ કરી શક્યો નહોતો. ગોલની શોધમાં, ભારતીય કોચ ઇગોર સ્ટીમેકે પાંચ મિનિટમાં ચાર ફેરફારો કર્યા, જેમાં અનિરુદ્ધ થાપા, જેક્સન સિંઘ અને સાહલ અબ્દુલ સમદ અને લલિનઝુઆલા ચાંગટેને સામેલ કર્યા. ખેલાડીઓના બદલાવ બાદ ટીમના હુમલાને વેગ મળ્યો હતો. સુનિલ છેત્રીએ મેચની અંતિમ 10 મિનિટમાં ગોલ કરીને ભારતીય ટીમને જીત અપાવી હતી.