Today Gujarati News (Desk)
હાલ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO 10 વર્ષ જૂના મેઘા ટ્રોપિક્સ-1 ઉગગ્રહને પ્રશાંત મહાસાગરમાં પાડવાની તૈયારીમાં લાગી ગયું છે. આ પડકારજનક મિશન ISRO માટે ચિંતાનો વિષય બની ગયો છે. આ ઉપગ્રહને આવતીકાલે પ્રશાત મહાસાગરમાં પાડવાની તૈયારીઓ ચાલી રહી છે. ઈસરોના જણાવ્યા મુજબ, આ ઉપગ્રહ પ્રશાંત મહાસાગરમાં લાવતી વખતે તૂટવાનો પણ ખતરો વધી રહ્યો છે. પૃથ્વીમાં પ્રવેશ્યા બાદ આ ઉપગ્રહને પ્રશાંત મહાસાગરમાં પાડવામાં આવશે. આ ઉપગ્રહનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, તેથી પ્રશાંત મહાસાગરમાં પાડવાનો નિર્ણય કરાયો છે.
ISRO અને ફ્રેન્ચ સ્પેસ એજન્સી CNECએ ઉષ્ણકટિબંધીય હવામાન અને આબોહવા અભ્યાસ માટે સંયુક્ત રીતે 12 ઓક્ટોબર-2011ના રોજ MT1 લોન્ચ કર્યો હતો. બેંગલુરુ સ્થિત અવકાશ એજન્સીએ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, આ ઉપગ્રહનું આયુષ્ય ત્રણ વર્ષ હતું, તેમ છતાં 10 વર્ષ સુધી મહત્વનો ડેટા આપતો રહ્યો હતો. ઈસરોએ જણાવ્યું કે, મેઘા ટ્રોપિક્સ-1 ઉગગ્રહને આવતીકાલે 4.30થી 7.30 વચ્ચે પાડવામાં આવશે.
ઈસરોના નિવદેન અનુસાર, આ ઉપગ્રહને પૃથ્વીના વાતાવરણમાં સુરક્ષિત રીતે પરત લવાશે. આશરે 1,000 કિગ્રા વજન ધરાવતા આ સેટેલાઈટમાં લગભગ 125 કિલોગ્રામ ઈંધણ બચ્યું છે, જેના કારણે આકસ્મિક રીતે ઉપગ્રહ તૂટવાનું જોખમ વધ્યું છે. સામાન્ય રીતે કોઈ મોટી જાનહાની ન સર્જાય તે માટે મોટા ઉપગ્રહ-રોકેટોને જમીન પર કોઈ નિર્જન વિસ્તારમાં પાડવામાં આવે છે, તેથી MT1ને પાડવા માટે પ્રશાંત મહાસાગરના નિર્જન વિસ્તારને પસંદ કરાયો છે.