Dakor: યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં બુધવારે આમલકી એકાદશી પર્વ નિમિતે દર્શનાર્થીઓનો મહેરામણ ઊમટી પડ્યો હતો. સાંજે 5 વાગે ઉત્થાપન આરતી બાદ નિજ મંદિરમાંથી શ્રીજીના બાળસ્વરૂપ ગોપાલલાલજી મહારાજની સુશોભિત કરાવેલી સુવર્ણ પાલખી પર ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ સમયે વૈષ્ણવો તથા શ્રદ્ધાળુઓના જય રણછોડ… માખણચોરના નાદથી યાત્રાધામ ગુંજી ઉઠ્યું હતું. લાલબાગ ખાતે સાંજે 7 વાગ્યાના અરસામાં ભગવાન સાથે અબીલ ગુલાલ સહિત વિવિધ રંગોથી હોળી ખેલીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. વૈષ્ણવો, ભકતો રણછોડવમય બની ગયા હતા.
યાત્રાધામ ડાકોરમાં આમલકી એકાદશી પર્વ બુધવાર થી ફાગોત્સવ (હોળી ધુળેટી પૂનમ મેળો) નો પ્રારંભ થઈ ગયો છે. આ પર્વ નિમિતે રાજાધિરાજ રણછોડરાયજી મંદિરમાં વહેલી સવારથી જ દર્શનાથીઓની ભીડ જોવા મળી હતી. આ દિવ્ય પ્રસંગે ભગવાનને વિશેષ શ્વેત વાઘા અને આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. આખો દિવસ ભક્તજનોનો અવિરત પ્રવાહ રહ્યો છે.
જ્યારે સાંજે ઉત્થાપન આરતી બાદ 5.30 કલાકે ગોપાલલાલજી મહારાજ ને જય રણછોડ માખણચોરના જયથોપ સાથે શણગારેલી સુવર્ણ પાલખીમાં બિરાજમાન કરાવ્યા હતા. મંદિરની પરિકમા કરીને 5.45 વાગ્યાના અરસામાં મંદિર બહાર ભગવાનની શોભાયાત્રા નીકળી હતી. ભગવાન ગોપાલ લાબજી મહારાજ વસંતઋતુ ને નિહાળવા નીકળ્યા હતા.
અમદાવાદ-ઉમરેઠ, ડાકોરની ભજન મંડળીઓ દ્વારા સૂર સંગીત અને ભજન કિર્તનની રમઝટ સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા નગરના જાહેર માર્ગો પર થઈને સાત વાગ્યાના અરસામાં લાલબાગ ખાતે પહોંચી હતી. જ્યાં ભગવાનને પાણી, અને મગસ ધરાવીને આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ સેવકો, વૈષ્ણવો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અબીલ ગુલાલ સહિત વિવિધ રંગોની છોળ ઉડાડીને હર્પોલ્લાસ સાથે રંગોત્સવ ઉજવીને વ્રજભૂમિમાં હોળી ખેલ્યાની અનુભૂતિ સાથે ધન્ય બન્યા હતા. ત્યાંથી 8 વાગ્યાના અરસામાં શોભાયાત્રા નીકળીને નગરના જાહેર માર્ગો પર થઈને લક્ષ્મીજી મંદિરે મોડી સાંજે પહોંચી હતી.ત્યારબાદ રાત્રે 9 વાગ્યાના અરસામાં ભગવાનની શોભાયાત્રા નિજ મંદિરમાં પરત આવી હતી. ત્યારબાદ ભગવાન શવન અને સખડીભોગ આરોગીને અનુકૂળતાએ પોઢી ગયા હતા.