વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત-ચીન સરહદ વિવાદ પર કહ્યું છે કે જ્યાં સુધી સરહદો સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી દળો ત્યાં જ રહેશે. તેમણે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ચીન સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટેનું દેશના બજેટમાં સતત વધારો થયો છે.
દેશની વિદેશ નીતિમાં ફેરફાર
વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતે 1962ના યુદ્ધમાંથી પાઠ શીખવો જોઈતો હતો, પરંતુ 2014 સુધી સરહદી માળખાના વિકાસમાં કોઈ પ્રગતિ થઈ નથી. મોદી સરકારે આ માટેનું બજેટ 3500 કરોડ રૂપિયાથી વધારીને 14,500 કરોડ રૂપિયા કર્યું છે. જયશંકરે કહ્યું કે 2014થી દેશની વિદેશ નીતિમાં બદલાવ આવ્યો છે અને આતંકવાદ સાથે વ્યવહાર કરવાની રીત પણ બદલાઈ છે.
જયશંકરે શુક્રવારે યુવાનો સાથે વાતચીત કરતી વખતે ભારતના વૈશ્વિક ઉદય અને વધુ સારી તકોની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ભારતે ચીન સાથે વાસ્તવિક નીતિ અપનાવવી જોઈએ. જો આપણે ઈતિહાસમાંથી પાઠ નહિ શીખીએ તો આપણે વારંવાર ભૂલો કરીશું. ચીને 1950માં તિબેટ પર કબજો જમાવ્યો હતો અને તત્કાલિન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે વડાપ્રધાન જવાહરલાલ નેહરુને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેઓ ચીન પ્રત્યેની દેશની નીતિ અંગે ચિંતિત છે.
પટેલે ચીન સામે ચેતવણી આપી હતી પરંતુ નેહરુએ તે સમયે દાવો કર્યો હતો કે ચીન ભારત પર હુમલો નહીં કરે. જયશંકરે પટેલને વ્યવહારુ, ગ્રાસરૂટ અને નેહરુને આદર્શવાદી ડાબેરી ગણાવ્યા. જયશંકરે કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે સરહદ પર કોઈ તણાવ ન હોવો જોઈએ. પરંતુ જ્યાં સુધી સરહદો સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી દળો ત્યાં છે અને રહેશે.
યુક્રેનથી પરત આવેલા બાળકોને મોદીની ગેરંટી
જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુક્રેનથી પાછા ફરેલા બાળકો “મોદીની ગેરંટી” હતા. તેમણે કહ્યું કે વિદેશ નીતિ માત્ર રાજદ્વારીઓ માટે નથી, પરંતુ તે દરેક વ્યક્તિના જીવનને અસર કરે છે. 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ દરમિયાન “ઓપરેશન ગંગા” હેઠળ 18,282 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા.
ભારત-અમેરિકાના સંબંધો મજબૂત થયા
જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીની વિશ્વસનીયતાને કારણે ભારત-અમેરિકાના સંબંધો મજબૂત થયા છે. આ જ કારણ છે કે એપલે ચીનને બદલે ભારતમાં iPhone બનાવવાનું નક્કી કર્યું. અમેરિકા હંમેશા પીએમ મોદી સાથે ભાગીદારી ઈચ્છશે. જે પણ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તેના ભારત સાથે સારા સંબંધો રહેશે.