Today Gujarati News (Desk)
અમદાવાદ : જીવન વીમા કંપનીઓના ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં માર્ચ, ૨૦૨૨ની સરખામણીએ આ વર્ષે ૧૨.૬૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના પ્રીમિયમમાં તો ૩૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે.
લાઇફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલના ડેટા અનુસાર માર્ચ ૨૦૨૩માં ઉદ્યોગનો એનબીપી રૂ. ૫૨,૦૮૧ કરોડ થવાની ધારણા છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા દરમિયાન રૂ. ૫૯,૬૦૮.૮૩ કરોડ હતું. એક વર્ષ દરમિયાન નવી પોલિસીઓમાંથી આવતા પ્રીમિયમને એનબીપી કહેવાય છે. તે પ્રથમ વર્ષના પ્રીમિયમ અને સિંગલ પ્રીમિયમનો સરવાળો છે.
આઘાતજનક આંકડો એ છે કે આ સમયગાળા દરમિયાન ખાનગી ક્ષેત્રની જીવન વીમા કંપનીઓનો એનબીપી ૩૫ ટકા વધીને રૂ. ૨૩,૩૬૪ કરોડ થયો છે. તેમના વ્યક્તિગત નોન-સિંગલ પ્રીમિયમમાં ૫૭ ટકા અને ગ્રુપ સિંગલ પ્રીમિયમમાં ૨૪ ટકાનો વધારો થયો છે. બીજી તરફ સરકારી કંપની એલઆઈસીનું પ્રીમિયમ માર્ચ, ૨૦૨૨ના રૂ. ૪૨,૩૯૧.૨૨ કરોડથી ૩૨ ટકા ઘટી રૂ. ૨૮,૭૧૬ કરોડ થયું છે.
સરકારી વીમા જાયન્ટના ગ્રુપ સિંગલ પ્રીમિયમમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૪૧ ટકા અને ગ્રૂપ નોન-સિંગલ પ્રીમિયમમાં ૮૨ ટકાનો ઘટાડો થયો છે. ફેબ્રુઆરીમાં પણ જીવન વિમા નિગમનું ગ્રુપ સિંગલ પ્રીમિયમ ૪૦ ટકા ઘટતા એનબીપી પણ ઘટયું હતું.
જીવન વીમા કંપનીઓ સામાન્ય રીતે નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળા જાન્યુઆરી-માર્ચમાં સારો બિઝનેસ કરે છે કારણ કે ગ્રાહકો ટેક્સ જવાબદારી ટાળવા બચત અને ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદે છે.