જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) માટે ગુરુવારે LIC Q3 પરિણામો બેવડા સારા સમાચાર લાવ્યા. એક તરફ જ્યારે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો આવ્યા ત્યારે શેરબજારમાં કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો અને તે પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ.
ગુરુવારે જાહેર થયેલા ત્રિમાસિક પરિણામો અનુસાર, LIનો ચોખ્ખો નફો 49 ટકા વધીને રૂ. 9,444 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 6,334 કરોડ હતો. LICએ શેરબજારમાં ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેની ચોખ્ખી પ્રીમિયમ આવક ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 ક્વાર્ટરમાં વધીને રૂ. 1,17,017 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,11,788 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન, કંપનીની કુલ આવક વધીને રૂ. 2,12,447 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,96,891 કરોડ હતી.
ગુરુવારે, શેરબજારમાં કંપનીના શેરમાં 6 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો, ત્યારબાદ તેનું બજાર મૂલ્ય વધીને રૂ. 6.99 લાખ કરોડ થયું હતું અને તે દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની હતી.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર કંપનીનો શેર 5.86 ટકા વધીને રૂ. 1,106.25 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 9.51 ટકા વધીને રૂ. 1,144.45ના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર કંપનીનો શેર 6.46 ટકાના ઉછાળા સાથે રૂ. 1,112 પર બંધ થયો હતો.
શેરમાં આ વધારાને કારણે દેશની સૌથી મોટી વીમા કંપનીનું માર્કેટ વેલ્યુએશન રૂ. 38,740.62 કરોડ વધીને રૂ. 6,99,702.87 કરોડ થયું છે. બજાર મૂલ્યની દ્રષ્ટિએ, LIC હવે ICICI બેંકને પાછળ છોડી દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં કહ્યું હતું કે “વિપક્ષોએ એલઆઈસી વિશે અફવાઓ ફેલાવી હતી, પરંતુ આજે તેના શેર રેકોર્ડ ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યા છે.”
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 19,64,044.94 કરોડના બજાર મૂલ્ય સાથે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. આ પછી 15,13,218.99 કરોડના મૂલ્યાંકન સાથે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ આવે છે. HDFC બેન્ક રૂ. 10,66,150.51 કરોડના માર્કેટ વેલ્યુએશન સાથે ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને ઈન્ફોસિસ છે જેનું માર્કેટ વેલ્યુએશન 7,02,754.66 કરોડ રૂપિયા છે. અને હવે LIC રૂ. 6,99,702.87 કરોડના મૂલ્યાંકન સાથે પાંચમા સ્થાને આવી છે.