Today Gujarati News (Desk)
અમદાવાદથી લગભગ 75 કિમી દૂર લોથલ ખાતે વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ બનાવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમની સમકક્ષ બનાવવામાં આવેલા આ હેરિટેજ સંકુલમાં લોથલનો પાંચ હજાર વર્ષ જૂનો ઈતિહાસ પ્રદર્શિત કરવામાં આવશે. 4500 કરોડના ખર્ચે 400 એકરમાં બનેલ આ નેશનલ મરીન હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) માનવ સભ્યતાના ઉદભવનું સાક્ષી બનશે તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનશે.
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના સહયોગથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. અહીં પ્રાચીનકાળથી લઈને આધુનિક સમય સુધીનો ભારતનો દરિયાઈ વારસો પ્રદર્શિત કરવામાં આવશે. તેમજ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતના દરિયાઈ વારસા વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે.
વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ 400 એકરના સંકુલમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ, વિશ્વની સૌથી મોટી ઓપન એક્વેટિક ગેલેરી અને ભારતનું સૌથી ભવ્ય નેવલ મ્યુઝિયમ હશે. આ આઇકોનિક લાઇટ હાઉસ મ્યુઝિયમ 77 મીટર ઊંચું હશે, જ્યારે 65 મીટર પર ઓપન ગેલેરી હશે. ઓપન એર વ્યુઇંગ ગેલેરી હશે. રાત્રે લાઇટ શો પણ થશે.
આ વિશ્વસ્તરીય સુવિધા સંકુલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. તે ત્રણ તબક્કામાં બનાવવામાં આવશે. પ્રથમ તબક્કાનું કામ શરૂ થઈ ગયું છે. પદ્મભૂષણ હાફિઝ કોન્ટ્રાક્ટર અને તેની ડિઝાઇનરોની ટીમે કોમ્પ્લેક્સની ડિઝાઇન તૈયાર કરી છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 774 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ કેન્દ્રને જોડતો ફોર લેન રોડ બનાવવામાં આવશે. આ ઉપરાંત 66 કિલોવોટનું સબ સ્ટેશન પણ બનાવવામાં આવશે. તે માત્ર મેરીટાઇમ કોમ્પ્લેક્સ જ નહીં પરંતુ અભ્યાસ માટેની સંસ્થા પણ હશે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લોથલથી સૌથી નજીક છે. તે રોડ દ્વારા પહોંચી શકાય છે.