Today Gujarati News (Desk)
મણિપુરમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો બેઘર બન્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં હિંસાનો પ્રકોપ ઓછો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોઈ જાનહાનિના સમાચાર નથી.
રાજ્યની વર્તમાન સ્થિતિને જોતા 11 જિલ્લામાં કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં ઇમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર, ચુરાચંદપુર અને જીરીબામનો સમાવેશ થાય છે જ્યાં સવારે 5 વાગ્યાથી છ કલાક માટે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. મંગળવારે આ વિસ્તારોમાં કર્ફ્યુમાં ચાર કલાક માટે રાહત આપવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે ચુરાચંદપુરથી 2,500 થી વધુ અને મોરેહ, સરહદી વિસ્તારથી 500 ફસાયેલા લોકોને ઇમ્ફાલ લઇ આવવામાં આવ્યા હતા.
મંગળવારે રાત્રે પત્રકારો સાથે વાત કરતા માહિતી અને જનસંપર્ક મંત્રી સપમ રંજન સિંહે કહ્યું- “4000 લોકોને હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢીને સુરક્ષિત શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે. અહીં લોકોને નિયમિત સ્વાસ્થ્ય સારવાર અને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. “જ્યારે 26,000 લોકોને અન્ય સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને તેમાંથી મોટાભાગના લોકોએ તેમના સંબંધીઓના ઘરે આશરો લીધો છે.”
મણિપુરના સીએમ એન બિરેન સિંહે સોમવારે કહ્યું- “રાજ્યભરમાં ફેલાયેલી આ હિંસામાં 60 લોકોના મોત થયા છે, 231 લોકો ઘાયલ થયા છે અને 1700 ઘરો બળી ગયા છે.”
રાજ્યમાં 3 મેના રોજ 10 પહાડી વિસ્તારોમાં યોજાયેલી આદિવાસી એકતા કૂચ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં મેઇટી સમુદાયને અનુસૂચિત જનજાતિની સૂચિમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી. મણિપુરમાં મીતેઈ સમુદાયના 53 ટકા લોકો છે જેઓ મુખ્યત્વે ઈમ્ફાલ ખીણની નજીક રહે છે. બીજી તરફ પર્વતીય વિસ્તારોમાં આદિવાસી, કુકી અને નાગા સમુદાયની સંખ્યા 40 ટકા છે.