Mayank Yadav LSG: લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 12મી એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે અને 14મી એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચ રમવાની છે. હવે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મયંક યાદવ માટે આગામી બે મેચમાં રમવું મુશ્કેલ થઈ રહ્યું છે. લખનૌ ટીમના સીઈઓ વિનોદ બિષ્ટે તેમના સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.
સીઈઓએ આ અપડેટ આપી હતી
એલએસજીના સીઈઓ વિનોદ બિષ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મયંક યાદવને પેટના નીચેના ભાગમાં દુખાવો થતો હતો અને સાવચેતીના ભાગરૂપે અમે આવતા સપ્તાહ સુધી તેના વર્કલોડને મેનેજ કરીશું. તે ડોક્ટરોની દેખરેખમાં રહેશે. અમે તેને ટૂંક સમયમાં મેદાન પર જોવાની આશા રાખીએ છીએ. બિષ્ટના નિવેદનનો અર્થ એ છે કે મયંક આ અઠવાડિયે (14 એપ્રિલ) ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની એલએસજીની મેચ પણ ચૂકી શકે છે. ફાસ્ટ બોલરોના પેટના નીચેના ભાગેની ઈજાને સાજા થવામાં વધુ સમય લાગે છે, તેથી તે ક્યારે મેદાનમાં પરત ફરશે તે જોવું રહ્યું.
ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં ઇજા થઇ હતી
મયંક યાદવ ગુજરાત ટાઇટન્સ સામે ઇનિંગની ચોથી ઓવર ફેંકવા માટે બહાર આવ્યો હતો પરંતુ તે ટીમ ફિઝિયો સાથે મેદાન છોડતા પહેલા તેની ઓવરમાં માત્ર બે વખત 140 kmph કરતાં વધુની ઝડપે બોલિંગ કરી શક્યો હતો. આ ઓવરમાં તેણે 13 રન આપ્યા હતા. આ ઈજાને કારણે તે રણજી ટ્રોફી સીઝન દરમિયાન પણ દિલ્હી માટે બેંચ પર બેઠો રહ્યો હતો.
IPL 2024માં તાકાત બતાવી
મયંકે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન પગની ઘૂંટી અને હેમસ્ટ્રિંગની ઇજાઓ સાથે સંઘર્ષ કર્યો હતો. તેણે પંજાબ કિંગ્સ સામે આ સીઝનમાં આઈપીએલની શરૂઆત કરી હતી અને 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને પ્રભાવિત કર્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની તેની બીજી IPL મેચમાં, આ બોલરે 14 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી જેમાં તેણે આ IPLનો સૌથી ઝડપી બોલ 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. તેણે અત્યાર સુધી ત્રણ મેચમાં છ વિકેટ ઝડપી છે. IPLની પ્રથમ બે મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર તે પ્રથમ ખેલાડી છે.