આફ્રિકાના માલીમાં એક ગેરકાયદેસર સોનાની ખાણ ધરાશાયી થવાના કારણે 70 લોકોના મોત થયાના સમાચાર છે. દુર્ઘટના સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની સંભાવના છે. ખાણ ધરાશાયી થયા બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
આફ્રિકન સરકારના નેશનલ ડિરેક્ટોરેટ ઑફ જીઓલોજી એન્ડ માઇનિંગના વરિષ્ઠ અધિકારી કરીમ બાર્થે બુધવારે એસોસિએટેડ પ્રેસને અકસ્માતની વિગતોની પુષ્ટિ કરી, તેને અકસ્માત ગણાવ્યો. જો કે અકસ્માતના કારણો અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ઉપરાંત હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે જ્યારે અકસ્માત શુક્રવારે થયો હતો ત્યારે મંગળવારે તેની માહિતી શા માટે આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, દક્ષિણ-પશ્ચિમ કૌલીકોરો ક્ષેત્રના કંગાબા જિલ્લામાં ગેરકાયદે સોનાની ખાણ ડૂબી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે આફ્રિકાના માલીમાં સોનાની ખાણ તૂટી પડવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે. અહીંના નાના પાયે ખાણિયાઓ ઘણીવાર સલામતીના પગલાંની અવગણના કરે છે. જેના કારણે દરરોજ મોટી સંખ્યામાં લોકોના મોતના બનાવો પ્રકાશમાં આવે છે. માલી આફ્રિકાનો ત્રીજો સૌથી મોટો સોનું ઉત્પાદક દેશ છે.
દેશની સરકારમાં કામ કરતા અધિકારીઓએ માંગ ઉઠાવી છે કે દેશમાં ગેરકાયદેસર ખનન રોકવા માટે સરકારે પગલા ભરવા જોઈએ. જેથી આવા અકસ્માતો નિવારી શકાય. દેશના ખાણ મંત્રાલયે એક નિવેદનમાં આ દુર્ઘટના પર ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે ખાણકામ કરનારાઓ તેમજ ખાણકામના સ્થળોની નજીક રહેતા સમુદાયોને સલામતી જરૂરિયાતોનું પાલન કરવા વિનંતી કરી.