Today Gujarati News (Desk)
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે હીરો કોન્ટિનેંટલ કપ જીતવા બદલ ભારતીય ફૂટબોલ ટીમને ઈનામ તરીકે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. કેપ્ટન સુનીલ છેત્રીનો 87મો ગોલ અને લલિયાનઝુઆલા છાંગટેની સ્ટ્રાઇકની મદદથી ભારતીય ફૂટબોલ ટીમે રવિવારે ફાઇનલમાં લેબનોનને 2-0થી હરાવી ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીતી લીધો હતો.
ઇન્ટરકોન્ટિનેન્ટલ કપના સમાપન સમારોહમાં પ્રેક્ષકોને સંબોધતા સીએમ નવીન પટનાયકે કહ્યું- ‘આ પ્રતિષ્ઠિત ઇન્ટરકોન્ટિનેન્ટલ કપનું આયોજન કરવું આપણા રાજ્ય માટે ગર્વની વાત છે. આકરી સ્પર્ધા વચ્ચે આ જીત માટે ભારતને અભિનંદન. અમે ઓડિશામાં વધુ ફૂટબોલ ઈવેન્ટ્સનું આયોજન કરવા અને ઓડિશા અને ભારતમાં રમતના વિકાસને સમર્થન આપવાનો ઈરાદો ધરાવીએ છીએ.’
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કલ્યાણ ચૌબેએ ઈવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ ઓડિશા સરકારનો આભાર માન્યો હતો. તેણે કહ્યું- ‘આનાથી વધુ સારી જગ્યા અમારી પાસે ન હતી. હું ઓડિશા સરકારનો અદ્ભુત ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે આભાર માનું છું, જેમાં ભાગ લેનારી ટીમોને ટેકો આપ્યો છે.
આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ બીજી વખત ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યો. ભારત છેલ્લે 2018માં આ ટુર્નામેન્ટ જીત્યું હતું. 2019 પછી, આ ટૂર્નામેન્ટ કોરોના રોગચાળાને કારણે યોજાઈ શકી નથી. ઇન્ટરકોન્ટિનેન્ટલ કપની આ ત્રીજી આવૃત્તિ છે અને ભારત બીજી વખત ચેમ્પિયન બન્યું છે.