Today Gujarati News (Desk)
દેશની રાજધાની દિલ્હીના નિક્કી યાદવ મર્ડર કેસની તપાસ વધુ તેજ થઈ ગઈ છે. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે શનિવારે મોટી કાર્યવાહી કરતા નિક્કીની હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં સાહિલ ગેહલોતના પિતા વીરેન્દ્ર સિંહ, ભાઈ આશિષ અને નવીન તથા મિત્ર લોકેશ અને અમરની ધરપકડ કરી છે. અહીં મહત્વની વાત એ છે કે, ધરપકડ કરવામાં આવેલ નવીન દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ છે.
સ્પેશિયલ સીપી રવિંદર યાદવે જણાવ્યું કે, પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ દરમિયાન સાહિલ ગેહલોતની પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન તેણે આખો પ્લાન જણાવ્યો અને કહ્યું કે, નિક્કીની હત્યા બાદ તેણે અન્ય સહ-આરોપી વ્યક્તિઓને આ ઘટનીની જાણકારી આપી હતી ત્યારબાદ આ તમામ લોકો સાથે લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. ત્યારબાદ તમામ 5 સહ-આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમની ભૂમિકાની પુષ્ટિ વિશે જાણ્યા બાદ તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે. નવીન દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે નિક્કી અને સાહિલ બંને એકબીજાને વર્ષોથી જાણતા હતા. આરોપીએ જણાવ્યું કે, જ્યારે તે SSC પરીક્ષા માટે ઉત્તર નગરના એક કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતો હતો તે દરમિયાન નિક્કી પણ આકાશ ઈન્સ્ટીટ્યૂટમાં અભ્યાસ કરી રહી હતી. બંને એક જ બસમાં સફર કરતા હતા. આવી સ્થિતિમાં પહેલા મિત્રતા થઈ અને પછી પ્રેમમાં પડ્યા… બંને 2018માં લિવ ઈનમાં રહેવા લાગ્યા. આ બંનેના લિવ-ઈન અંગે સાહિલના પરિવારજનો અજાણ હતા.