Gujarat University: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલોમાં એ બ્લોકમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા નમાઝ પઢાતા સમગ્ર ઘટનાના પડઘા દેશમાં પડયા છે. ત્યારે યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ પઢવાને લઈને કુલપતિનું કહેવું છે કે, “અમે વિદ્યાર્થીઓને સૂચના આપી છે કે કોઈની પણ ધાર્મિક કે સામાજિક લાગણી દુભાય તે રીતે જાહેરમાં કોઈ પણ ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રવૃતિ કરવી નહીં. વિદેશી વિદ્યાર્થીઓને રૂમમાં નમાઝ પઢવાની છૂટ આપી છે પરંતુ જાહેરમાં નહીં પઢી શકે.”
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તાએ જણાવ્યું…
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તાએ જણાવ્યું કે, “વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા જે રીતે જાહેરમાં નમાઝ પઢવામાં આવતી હતી. તેને લઈને આ સમગ્ર ઘટના બહાર આવી હોઈ હાલ અમે વિદ્યાર્થીઓને સૂચના આપી છે કે જાહેરમાં કોઈ પણ એવી પ્રવૃતિ ન કરો કે જેનાથી કોઈને પણ દુખ થાય કે લાગણી દુભાય. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જૌ આપસની મંજૂરી કે સહમતી ન હોય તો જાહેરમાં એવી કોઈ પણ ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રવૃતિ કે ઉજવણી ન કરે જેનાથી વાતાવરણ બગડે અને કોઈને નુકશાન થાય.
વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા એ બ્લોકની દિવાલ પર ઉર્દુમાં અયાત લખી દેવામાં આવી હતી.જે ખોટું છે આવુx કરવાથી દિવાલ તેઓની જ થઈ જાય અને ત્યાં બીજા વિદ્યાર્થીઓને સરસ્વતી વંદના કરવી હોય તો ન કરી શકે. જેથી જાહેરમાં કે જાહેર સંપત્તિ પર આવું કોઈ કૃત્ય ન કરવામાં આવે.”
યુનિવર્સિટીના કુલપતિએ વધુમાં જણાવ્યું…
યુનિવર્સિટીના કુલપતિએ વધુમાં જણાવ્યું કે, “અમે વિદેશી વિદ્યાર્થીઓને એનઆરઆઈ હોસ્ટેલમાં રહેવા માટેના નિયમો જાહેર કર્યા છે અને જેનો કડક અમલ કરાવવાની સૂચના આપી છે. નિયમો વેબસાઈટ પર પણ મુકી દેવાયા છે. આ નિયમો સ્વીકારતા હોવાનું અંડર ટેકિંગ એટલે કે બાયંધરી તેઓએ આપવાની રહેશે. નિયમો મુજબ વિદેશી વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનું ફંકશન કે ઉજવણી વોર્ડનની પૂર્વ મંજૂરી વિના નહીં કરી શકે.” મહત્વનું છે કે યુનિવર્સિટી દ્વારા હાલ વિદેશી વિદ્યાર્થીઓ માટે જ નિયમો જાહેર કરાયા છે પરંતુ અન્ય હોસ્ટેલમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટેના નિયમોનું શું?