Today Gujarati News (Desk)
વન રેન્ક વન પેન્શન ( OROP)નીતિ હેઠળ પેન્શન ચૂકવણી અંગે સંરક્ષણ મંત્રાલયનો સીલ કવર રિપોર્ટ સ્વીકારવાનો જ ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે અમે સીલકવર કે ગુપ્ત રિપોર્ટ નહીં સ્વીકારીએ. સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડે એટોર્ની જનરલ વેંકટરમણીને કહ્યું કે અમે સીલબંધ કવર રિપોર્ટની પ્રથાના વિરોધી છીએ. આ નિષ્પક્ષ ન્યાયના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધ છે. અમે સુપ્રીમકોર્ટમાં સીલબંધ કવર રિપોર્ટના ધંધાને જ ખતમ કરી દેવા માગીએ છીએ કેમ કે હવે હાઈકોર્ટ પણ તેનો ઉપયોગ કરવા લાગશે. કાં તો વિરોધ પક્ષોને તેની કોપી આપવામાં આવે કે પછી તેમને ચેમ્બરમાં લઈ જઈને માહિતી આપે. આ મામલે શું ગુપ્ત હોઇ શકે છે. અમે બાકીની ચૂકવણીનો આદેશ આપ્યો છે. જેનું પાલન થવા લાગ્યું છે.
વન રેન્ક વન પેન્શન( OROP)નીતિ હેઠળ પેન્શન ચૂકવણી મામલે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારની અપીલ પર બાકીના ચૂકવણી પર સમયમર્યાદા બદલી નાખી છે. કોર્ટે કહ્યું કે 30 એપ્રિલ 2023 સુધી 6 લાખ ફેમિલી પેન્શનર અને ગેલેન્ટરી એવોર્ડ મેળવનારા પેન્શનરોને એકસાથે પેન્શન ચૂકવે. 70 વર્ષથી વધુ વયના લોકોને 30 જૂન સુધી પેન્શન ચૂકવે. આ કેન્દ્ર સરકાર પર નિર્ભર રહેશે કે તે એકસાથે પેન્શન આપે કે પછી હપ્તામાં. પેન્શનરોને બાકીની રકમની ચૂકવણી 30 ઓગસ્ટ 2023, 30 નવેમ્બર 2023 અને 28 ફેબ્રુઆરી 2024ના રોજ કે તેનાથી પહેલા સમાન હપ્તામાં ચૂકવાશે. નાણા મંત્રાલયે એકસાથે રકમની ચૂકવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. કેન્દ્ર સરકારે કોર્ટમાં પ્રસ્તાવ રજૂ કર્યો કે વધુ ૩ હપ્તામાં આ ચૂકવણી ચાલુ વર્ષે 31 સપ્ટેમ્બર અને 31 માર્ચ , 2024ના રોજ કરી દેવાશે. કોર્ટના આદેશ હેઠળ કેન્દ્ર સરકાર આ ચૂકવણી કરવા બંધાયેલ છે અને કોર્ટ સ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રના પ્રસ્તાવ સ્વીકારે છે.