Today Gujarati News (Desk)
દેશમાં કાર્યરત લગભગ 95,000 પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (PACS) ટૂંક સમયમાં કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs) સાથે જોડવામાં આવશે. આ સાથે PACSને પંચાયત સ્તરે આર્થિક રીતે મજબૂત સંસ્થા બનાવવામાં આવશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે વિજ્ઞાન ભવન ખાતે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ને ફાળવવામાં આવેલા કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs)નું ઉદ્ઘાટન કર્યું હતું. શાહે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આ પહેલ હેઠળ દેશના 13 કરોડ ખેડૂતો અને ગ્રામવાસીઓને બેંકિંગ, વીમો, આધાર નોંધણી, રેલ ટિકિટ, આરોગ્ય અને કાયદા સંબંધિત 300 થી વધુ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઉપરાંત, તેમણે જણાવ્યું કે દેશમાં 17 હજારથી વધુ PACSએ CSC માટે નોંધણી કરાવી છે, જેમાંથી 6 હજારે CSC તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું છે. PACS-CAC જોડાણને ગ્રામીણ વિસ્તારોના લોકોને સુવિધાઓ વધારવામાં મદદરૂપ ગણાવતા શાહે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં દેશમાં PACSની સંખ્યા વધીને 3 લાખ થશે. CSC તરીકે કામ કરવાથી, PACS દ્વારા ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળશે. તેમણે કહ્યું કે આગામી થોડા અઠવાડિયામાં PACS CSC શરૂ થશે, લગભગ 14 હજાર યુવાનોને રોજગાર મળશે.
ગામડાઓમાંથી દેશની અર્થવ્યવસ્થા વધશે
શાહે કહ્યું કે, ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરીને જ દેશને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો માર્ગ ખુલશે. આ માટે જરૂરી છે કે સહકારી ચળવળને મજબૂત બનાવવામાં આવે અને તેના સૌથી નાના એકમ PACSને સમૃદ્ધ બનાવવામાં આવે. આ અભિગમ સાથે, PACS ને મજબૂત કરવામાં આવી રહી છે. 2014માં દેશમાં 83 હજાર CAC હતા જે હવે વધીને 5.19 લાખ થઈ ગયા છે. હવે પેક્સ પણ આ વિસ્તરણમાં ભાગીદાર બનશે.