Today Gujarati News (Desk)
પીએમ નરેન્દ્ર મોદીનો રેડિયો શો ‘મન કી બાત’ (Mann Ki Baat)ના 100 એપિસોડ પૂરા થઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ અવસર પર મેગા પ્લાન તૈયાર કર્યો છે. તેમાં એક લાખથી વધુ બૂથો પર તેનું લાઈવ પ્રસારણ સંભળાવવાની બીજેપીએ યોજના બનાવી છે. બીજેપી ઈચ્છે છે કે, વિશ્વભરમાં પીએમ મોદીના આ વખતના ‘મન કી બાત’ ના 100માં એપિસોડનું પ્રસારણ કરવામાં આવે. બીજેપી નેતાઓનું માનવું છે કે, પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશ્વભરમાં છે. તેથી તેને વિશ્વભરમાં પ્રસારિત કરવામાં આવે. પીએમ મોદીએ દેશભરના જે લોકોનો ઉલ્લેખ આ કાર્યક્રમમાં કર્યો છે તેઓને પણ 30 એપ્રિલના રોજ આ અવસર પર જોડવાની યોજના છે.
પીએમ નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ના 100મા એપિસોડના અવસર પર ભાજપ શાસિત રાજ્યોના સીએમ અને વરિષ્ઠ નેતાઓ પણ સાથે હશે. દરેક લોકસભા મતવિસ્તારમાં 100 જગ્યાએ 100 લોકો ‘મન કી બાત’ સાંભળશે. આ પ્રસંગે પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત લોકોનું પણ સન્માન કરવામાં આવશે જેનો ઉલ્લેખ પીએમ મોદીએ ‘મન કી બાત’માં કર્યો છે. ઉત્તર પ્રદેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો શો ‘મન કી બાત’નો 100મો એપિસોડ મદરેસા અને લઘુમતી બહુલ વિસ્તારોમાં પણ પ્રસારિત કરવામાં આવશે. ભાજપે તેની અલ્પસંખ્યક શાખાને એ સુનિશ્ચિત કરવાનું કામ સોંપ્યું છે કે તે મદરેસાઓમાં પણ સાંભળવામાં આવે.
પીએમ મોદીના રેડિયો શો ‘મન કી બાત’નું પ્રસારણ 3 ઓક્ટોબર 2014ના રોજ દશેરાના અવસર પર શરૂ થયું હતું. કાર્યક્રમના 100મા એપિસોડના અવસરને યાદગાર બનાવવા માટે ઓલ ઈન્ડિયા રેડિયોએ પીએમ મોદીના પસંદગીના વાક્યનો સમાવેશ કરીને એક કાર્યક્રમ પણ તૈયાર કર્યો છે.