Today Gujarati News (Desk)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 19 જાન્યુઆરીએ મુંબઈનો પ્રવાસ કરશે. આ દરમિયાન તે મુંબઈ મેટ્રોના 2A અને 7 રૂટના બીજા તબક્કા સહિત ઘણા વિકાસના કામોનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનની મુલાકાત પહેલા દાદરના શિવસેના ભવન અને બાંદ્રા પૂર્વમાં કલાનગરમાં સ્થિત ઉદ્ઘવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર વડાપ્રધાન મોદી, સીએમ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના મોટા-મોટા કટઆઉટ્સ લગાવવામાં આવ્યા. તેને મુંબઈ મહાનગરપાલિકાએ હવે ઉતારવાનું શરૂ કરી દીધું છે. BMCએ શિવસેનાના બંને જૂથની વચ્ચે તણાવ વધવાની આશંકાને ધ્યાનમાં રાખીને આ કામ કર્યો છે.
BMC તરફથી આ સુરક્ષાત્મક નિર્ણય લેવામાં આવ્યો. વડાપ્રધાન મોદીના મુંબઈ પ્રવાસના ઉત્સાહને લઈ શિંદે જૂથ અને ભાજપ તરફથી એક્શન મોડમાં તૈયારી ચાલી રહી છે. 1 લાખથી 1.50 લાખ લોકોની વચ્ચેની જનમેદની આવી શકે છે. ત્યારે અતિ-ઉત્સાહમાં શિંદે અને ઠાકરે જૂથના કાર્યકર્તાઓની વચ્ચે કોઈ વાદ-વિવાદ ના થાય, તેને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ આ કટઆઉટસ હટાવી દીધા. આ શિંદે જૂથ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
આ કટઆઉટ્સ સીધા જ શિવસેના ભવનની સામે લગાવવામાં આવવાથી કાયદા-વ્યવસ્થાની સમસ્યાનો સામનો કરવો પડી શકતો હતો. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ આ કટઆઉટ્સ હટાવી દીધા. સુત્રો જણાવી રહ્યા છે કે રાજ્યમાં શિંદે સરકાર હોવા છતા તેમના કટઆઉટ્સને હટાવવામાં આવવા એક પ્રકારે શિંદે જૂથ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
બાંદ્રા કુર્લા કોમ્લેક્સમાં વડાપ્રધાન મોદીના સ્વાગત માટે અને તેમની સભાની તૈયારી છેલ્લા તબક્કામાં પહોંચી ચૂકી છે. સ્ટેજ પર 50 બાય 20 ફૂટની મોટી ભવ્ય એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે. શિંદે જૂથના યુવા સેનાના પદાધિકારીઓને ભીડને કેવી રીતે નિયંત્રિત રાખવી, તે વિશે દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. એકથી દોઢ લાખ લોકો જોડાય તેવી સંભાવનાઓને જોતા સભા સ્થળ પર મોટા પ્રમાણમાં ખુરશીઓ લગાવવામાં આવી છે. મેદાનમાં ચારેબાજુ શિંદે અને ફડણવીસ સરકાર તરફથી સમગ્ર માહોલ મોદીમય કરવામાં આવી રહ્યો છે.