ભારતને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા અમદાવાદના ગાંધી આશ્રમની કાયાપલટ થવાની છે. જેનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. હાલ જે ગાંધી આશ્રમ છે તેનાથી વિશાળ આકાર આપવામાં આવશે, એટલે કે જેતે સમયે ગાંધી આશ્રમનો જે મૂળ વિસ્તાર હતો તેને આ નવા પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવશે. દાંડીકૂચના દિવસે પીએમ મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાંધીજીની પ્રતિમાને પુષ્માંજલિ અર્પી હતી. સાથે જ રિ-ડેવલપમેન્ટનો પ્લાન નિહાળ્યો હતો.
આ રિ-ડેવલપમેન્ટ દરમિયાન ગાંધી આશ્રમની જે મૂળ જગ્યા છે તેને જાળવી રાખવાની સાથે તેને વર્લ્ડ ક્લાસ બનાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગાંધી આશ્રમની આસપાસ રહેતા આશ્રમવાસીઓના વિકાસની વાતને પણ આ રિ-ડેવલપમેન્ટમાં ધ્યાનમાં રાખવામાં આવી છે. તેમના માટે અદ્યતન મકાનો તૈયાર કરવાનું આયોજન પણ છે.
આશ્રમવાસીઓ કે જેઓ હાલ વિવિધ ટ્રસ્ટ હેઠળ ગાંધી આશ્રમની આસપાસમાં રહે છે તેમને પોતાના મકાન બનાવીને આપવામાં આવશે. આ રહેણાંક પણ હાલના નિવાસસ્થાનથી માત્ર 50 મીટરના અંતરે બનાવવામાં આવશે.
જેતે સમયે ગાંધી આશ્રમ બન્યો ત્યારે તે 120 એકરમાં ફેલાયેલો હતો અને તેમાં 63 મકાનો આવેલા હતા. જેમાં વિવિધ પ્રકારના ભારતની આઝાદીને લગતા અને તે સિવાય કાર્યો થતા હતા.
જોકે, હાલના સમયમાં ગાંધી આશ્રમનો વિસ્તાર ઘટીને માત્ર 5 એકર થઈ ગયો છે. જેમાં ત્રણ મકાનો છે કે જે અહીં આવતા મુલાકાતીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. હાલ જે તે સમયે ગાંધી આશ્રમની મૂળ જગ્યા હતી ત્યાં અન્ય કન્સ્ટ્રક્શન થઈ ગયા છે. જોકે હવે ગાંધી આશ્રમની મૂળ જગ્યાનો 1200 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે.