‘બિગ બોસ 15’ની કન્ટેસ્ટન્ટ શમિતા શેટ્ટી 44 વર્ષની છે. તેણે પેરિમેનોપોઝ નામની સ્થિતિ અંગે જાગૃતિ ફેલાવતો એક વિડીયો શેર કર્યો છે. ‘મોહબ્બતેં’ ફિલ્મની એક્ટ્રેસે એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું કે, મૂડ સ્વિંગ્સ, અચાનક વજન વધવા સહિતની કેટલીય સમસ્યાઓથી પીડિત હતી. આ બધા જ પેરિમેનોપોઝના લક્ષણો હતા. આ એવી સ્થિતિ છે જેનાથી કેટલીય મહિલાઓ અજાણ હોય છે અને જો ખબર હોય તો તેના વિશે વધુ વાત નથી.
વિડીયોમાં શમિતા શેટ્ટી કહે છે કે, “તમારામાંથી કેટલી મહિલાઓ એકાએક વજન વધવાથી પીડિત છે? તમે એક જ પ્રકારનું ભોજન લો છો, એકસરખી કસરત કરો છો પણ તેની અસર નથી થતી. મારી ભૂખ વધી ગઈ છે, મૂડ બદલાયા કરે છે, ધૂંધળું દેખાય છે, ધબકારા વધી જાય છે. એટલા બધા લક્ષણો છે કે મને બીક લાગતી હતી. મને લાગ્યું કે આ મને એકલીને જ થાય છે પરંતુ એવું નહોતું. મેં મારી ઉંમરની કેટલીક ફ્રેન્ડ્સ સાથે વાત કરી તો તેમણે પણ ધૂંધળું દેખાવું, વજન વધવું અને વધારે ભૂખ લાગવાના લક્ષણો અંગે વાત કરી હતી. આ વિશે મેં ઈન્ટરનેટ પર સર્ચ કરવાનું શરૂ કર્યું તો મને એક આર્ટિકલ મળ્યો જેમાં પેરિમેનોપોઝ વિશે વાત કરવામાં આવી હતી.”
શમિતાએ આગળ કહ્યું, “પેરિમેનોપોઝ શું હોય છે તે હું નહોતી જાણતી. મેં વિચાર્યું કે એક ઉંમર પછી આપણે આ સ્થિતિમાંથી પસાર થઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે, મેનોપોઝના 10 વર્ષ પહેલા જ પેરિમેનોપોઝનો તબક્કો આવી જાય છે? મહિલાઓ માટે આ પરિસ્થિતિ મુશ્કેલ હોય છે. આપણે પીરિયડ્સ જોઈએ છીએ, પીએમએસનું ધ્યાન રાખીએ છીએ, આપણે બાળકને જન્મ આપીએ છીએ અને કેટલાય હોર્મોનલ પરિવર્તનમાંથી પસાર થઈએ છીએ. આ બધી જ બાબતો સાથે હવે પેરિમેનોપોઝનું નામ પણ લિસ્ટમાં જોડાઈ ગયું છે.”
શમિતાના કહેવા પ્રમાણે, આ મામલે જાગૃતિ ફેલાવવી જોઈએ. “મને ખાતરી છે કે, કેટલીય મહિલાઓ આ વિશે નહીં જાણતી હોય. મને પણ નહોતી ખબર. આપણે આ વિશે વધુને વધુ વાત કરવી અને એકબીજાને મદદ કરવી જોઈએ. હોર્મોનલ પરિવર્તનને કારણે મહિલાઓને આ બધું થાય છે. હું આમાં એકલી નથી. જોકે, આ મુદ્દે આપણે હજી વધારે વાત કરવાની જરૂર છે. મજાક ઉડાવતા કેટલાય વિડીયો બનાવાય છે પરંતુ આપણે હોર્મોનલ પરિવર્તનમાંથી પસાર થતાં હોઈએ છે, જે ગાંડા કરી નાખે એવા હોય છે. મહિલા હોવું સરળ નથી.”