Today Gujarati News (Desk)
લોકપ્રિય ઓનલાઈન ટ્રાવેલ સાઈટ દ્વારા જયપુરના રામબાગ પેલેસને વિશ્વની ટોચની 10 હોટેલ્સમાં સામેલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રામબાગ પેલેસ એક સમયે જયપુર રોયલ્ટીનું ગેસ્ટ હાઉસ હતું, જેનું નિર્માણ 1835માં થયું હતું. પરંતુ આજે તે એક વૈભવી હોટેલમાં ફેરવાઈ ગઈ છે, જ્યાં પ્રવાસીઓ ભારતીય સંસ્કૃતિ અને આતિથ્યની અનોખી ઝલક મેળવી શકે છે અને શાહી લાવણ્યનો અનુભવ કરી શકે છે. આ મહેલ તેની અનોખી સુંદરતા, ઈતિહાસ અને ઉત્તમ સ્થાપત્ય માટે જાણીતો છે.
રામબાગ પેલેસનો ઈતિહાસ
રામબાગ પેલેસ, જે ‘જ્વેલ ઓફ જયપુર’ તરીકે ઓળખાય છે. તે એક સમયે મહારાજા સવાઈ માન સિંહ II અને તેમની રાણી મહારાણી ગાયત્રી દેવીનું નિવાસસ્થાન હતું. આ મહેલ 47 એકરમાં ફેલાયેલો છે, જેમાં એક વિશાળ બગીચો, વિશાળ વરંડા અને લક્ઝુરિયસ રૂમની સાથે ઘણી A One સેવાઓ છે. અહીં આવનાર મહેમાનોને શાહી વ્યવહાર મળે છે.
રામબાગ પેલેસનું એક દિવસનું ભાડું કેટલું છે?
રામબાગ પેલેસમાં અલગ-અલગ સ્યુટ અને રૂમ છે, અહીં એક રાત્રિ રોકાણનું ભાડું 30 હજારથી શરૂ થાય છે. આજે આ હોટલમાં 70 થી વધુ લક્ઝરી રૂમ છે. અહીંના પ્રેસિડેન્શિયલ સ્યુટને ‘સુખ નિવાસ’ તરીકે ઓળખવામાં આવે છે. આ હોટલમાં સુવર્ણા મહેલ, સ્ટીમ, વરંદા કેફે, રાજપૂત રૂમ અને પોલો બાર જેવા રેસ્ટોરન્ટ વિકલ્પો પણ છે. જો તમે આ હોટલના ‘સુખ નિવાસ’ સ્યૂટમાં રહેવા માગો છો, તો તમારે એક રાત માટે 10 લાખ રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે. ઑફ-સિઝનમાં પણ, આ સ્યુટમાં એક રાત્રિ રોકાણનો ખર્ચ 4.7 લાખ રૂપિયા થઈ શકે છે.