Today Gujarati News (Desk)
દેશની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક વર્ષથી આંકડાઓમાં આંશિક વધારા છતાં કુલ ફંડ મેનેજર્સમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 10 ટકા જ છે. એસેટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓના પ્રતિનિધિત્વ સંદર્ભે મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના વાર્ષિક રિપોર્ટ અનુસાર મહિલા ફંડ મેનેજર્સની ટકાવારી ગત વર્ષના 32 ટકાથી વધીને 42 ટકા થઇ ચૂકી છે. તદુપરાંત ફંડ મેનેજર્સની કુલ સંખ્યા પણ ગત વર્ષના 399થી વધીને 428 પર પહોંચી ચૂકી છે.
લિંગ વિવિધતાને લઇને વાત કરવામાં આવે તો રિપોર્ટ અનુસાર કુલ 428 ફંડ મેનેજર્સમાંથી 42 મહિલાઓ છે જે પ્રાઇમરી અને સેકન્ડરી મેનેજર્સ તરીકે ફંડોનું સંચાલન કરી રહી છે. માત્ર 9.81%ના પ્રતિનિધિત્વ સાથે, મહિલાઓનું મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં હજુ પણ પ્રતિનિધિત્વ ખૂબ જ ઓછું છે.
વર્ષ 2017માં માત્ર 18 મહિલા ફંડ મેનેજર્સ હતી અને ત્યારથી આ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેમાં માત્ર 2020નું વર્ષ બાકાત રખાયું છે. જ્યારે તેમાં થોડોક ઘટાડો થયો હતો. દેશના કુલ 24 ફંડ હાઉસમાં 42 મહિલા ફંડ મેનેજર્સ કાર્યરત છે, જેમાંથી 5 ફંડ હાઉસમાં ત્રણ અને તેનાથી વધુ મહિલા ફંડ મેનેજર્સ સક્રિય છે.