Today Gujarati News (Desk)
CBIએ આર્યન ખાન ક્રૂઝ કેસ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં મુંબઈ NCBના ભૂતપૂર્વ પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડે અને અન્ય ત્રણ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈએ આ મામલામાં મુંબઈ, દિલ્હી, રાંચી (ઝારખંડ) અને કાનપુર (ઉત્તર પ્રદેશ)માં 29 સ્થળો પર દરોડા પાડ્યા છે.
વાનખેડેએ આર્યન ખાનની ધરપકડ કરી હતી
તમને જણાવી દઈએ કે, સમીર વાનખેડેએ મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઓફિસર રહીને બે વર્ષ પહેલા કથિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી હતી. વાનખેડે NCBના મુંબઈ ઝોનલ હેડ હતા જ્યારે તેઓએ ક્રુઝ પર દરોડો પાડ્યો હતો.
આર્યનને ચાર અઠવાડિયા જેલમાં પસાર કરવા પડ્યા હતા
આ કેસમાં આર્યન ખાનને ચાર અઠવાડિયા જેલમાં પસાર કરવા પડ્યા હતા. આર્યનને મે 2022માં એન્ટી-ડ્રગ એજન્સી દ્વારા ‘પૂરતા પુરાવાના અભાવે’ તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
CBIએ વાનખેડે પર ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો
વાનખેડે પર શાહરૂખ ખાનના પરિવાર પાસેથી 25 કરોડ રૂપિયા માંગવાનો અને તેની પાસેથી 50 લાખ રૂપિયા લેવાનો આરોપ છે. સીબીઆઈએ વાનખેડે અને અન્ય ત્રણ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. સીબીઆઈએ આ કેસમાં મુંબઈ, દિલ્હી, રાંચી (ઝારખંડ) અને કાનપુર (ઉત્તર પ્રદેશ)માં 29 સ્થળોએ દરોડા પાડ્યા છે.