Today Gujarati News (Desk)
ભારતની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટે ફરી એક વખત છટણી કરી છે. પહેલા પોતાના ફેન્ટેસી ગેમિંગ પ્લેટફોર્મને બંધ કરીને 5% કર્મચારીઓની છટણી કરી હતી. હવે ફરી એક વખત છટણીનું એલાન કરવામાં આવ્યુ છે. આ વખતે લગભગ 600 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ છટણીમાં એવા કર્મચારીઓ સામેલ છે જે નોન-પર્ફોર્મર હતા. કંપનીની CEOએ એક ટાઉનહોલ રાખ્યો છે જેમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આગળ જતા હજુ સખત નિર્ણય લેવામાં આવી શકે છે.
શેરચેટ અને મોજ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માલિકી ધરાવતી કંપની મોહલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડે તેના કર્મચારીઓમાં 20%નો ઘટાડો કર્યો છે. મતલબ કે, કંપનીએ 600 કર્મચારીઓને કાઢી મૂક્યા છે. હાલમાં ક્યા વિભાગમાં આ છટણી કરવામાં આવી છે તે સ્પષ્ટ નથી. ગયા મહિને પણ મોહલ્લા ટેકે ફેન્ટેસી ગેમિંગ પ્લેટફોર્મ Jeet11ને બંધ કરતી વખતે 100 કર્મચારીઓને છૂટા કર્યા હતા.
છટણીની પુષ્ટિ કરતા શેરચેટના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારે એક કંપની તરીકે અમારા ઈતિહાસમાં કેટલાક સૌથી મુશ્કેલ અને પીડાદાયક નિર્ણયો લેવા પડ્યા છે અને અમારા અવિશ્વસનીય પ્રતિભાશાળી કર્મચારીઓમાંથી લગભગ આશરે 20%ને જવા દેવા પડ્યા છે જે આ સ્ટાર્ટઅપ યાત્રામાં અમારી સાથે રહ્યા હતા. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે કર્મચારીઓના ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવામાં આવ્યો છે.
શેરચેટનું માનવું છે કે, માર્કેટને જોતા આ વર્ષે રોકાણ કરવામાં ખૂબ જ સાવધાની રાખવી પડશે. કંપની લાઈવ સ્ટ્રીમિંગ અને જાહેરાત દ્વારા કમાણી બમણી કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ બરતરફ કરાયેલા કર્મચારીઓને તેમના નોટિસ પીરિયડનો સંપૂર્ણ પગાર, કંપની સાથે સંકળાયેલા દરેક વર્ષ માટે બે અઠવાડિયાનો પગાર અને ડિસેમ્બર 2022 સુધી વૈરિએબલ પેની 100% ચુકવણી મળશે.