ગુજરાત સ્થિત ગોલ્ડી સોલારે ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા 41 કામદારોના ઘરની છત પર સોલાર પાવર સિસ્ટમ લગાવવાની ઓફર કરી છે. સિલ્ક્યારા ટનલમાં લગભગ 17 દિવસથી ફસાયેલા તમામ 41 મજૂરોને મંગળવારે વિવિધ એજન્સીઓના સંયુક્ત બચાવ અભિયાન હેઠળ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. 12 નવેમ્બરે ભૂસ્ખલનને કારણે સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડતાં કામદારો તેમાં ફસાયા હતા. સિલ્ક્યારા ટનલ કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ચાર ધામ પ્રોજેક્ટનો એક ભાગ છે.
ગોલ્ડી સોલારે એક નિવેદન બહાર પાડ્યું
ગોલ્ડી સોલર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, “રાષ્ટ્ર ઉત્તરકાશીમાં ફસાયેલા અમારા બહાદુર કામદારોના સુરક્ષિત પરત આવવાની ઉજવણી કરી રહ્યું છે.
અમે અસરગ્રસ્ત પરિવારો અને લોકોને પણ મદદ કરીશું. ગોલ્ડી સોલર તમામ 41 કામદારોના ઘરોની છત પર સૌર ઉર્જા પ્રણાલી સ્થાપિત કરશે.
ગોલ્ડી સોલરના સ્થાપકે શું કહ્યું?
ગોલ્ડી સોલરના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ઈશ્વર ધોળકિયાએ જણાવ્યું હતું કે આ પહેલ આ પરિવારોને ટકાઉ ઊર્જા અને ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે સશક્ત બનાવવાની દિશામાં એક પગલું છે. ગોલ્ડી સોલર વંચિત સમુદાયોને મદદ કરવા અને તેમની સુખાકારીમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કંપની આ પહેલનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.