Today Gujarati News (Desk)
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બોરસરા ગામમાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. કેમિકલના ડ્રમ ખોલતી વખતે ગેસ લીક થવાથી 4 લોકોના મોત થયા હતા. ઘટનાની માહિતી મળતા જીપીસીબી વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયો છે. જીપીસીબીએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ હાથ ધરી છે.
આ અંગે માંગરોળ મામલતદાર પાર્થ જયસ્વાલે જણાવ્યું હતું કે, માંગરોળના મોટા બોરસરા ગામે સાંજે ચાર વાગ્યાના સુમારે આ ઘટનાની જાણ થઈ હતી. નીલમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીનો સામાન અહીં રાખવામાં આવ્યો હતો. જ્યારે 5 લોકોએ કેમિકલ પાસે રાખેલા ડ્રમનું ઢાંકણું ખોલ્યું ત્યારે કેમિકલના ધુમાડાને કારણે 5 લોકો બેહોશ થઈ ગયા હતા.
તેથી તેઓને નજીકની સાધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 4ના મોત થયા છે. એક વ્યક્તિ હજુ સારવાર હેઠળ છે. આ સંદર્ભે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા કેમિકલના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે કંપનીના માલિકની પણ પોલીસે ધરપકડ કરી છે.
બીજી તરફ ઘટનાસ્થળે પહોંચેલા સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, અંકલેશ્વરના મોટા બોરસરામાં રહેતા મોહમંદ પટેલનું નિલમ ઈન્ડસ્ટ્રીઝમાં કેમિકલ ભરેલા બેરલ ખોલતી વખતે ગેસ શ્વાસમાં લેવાથી મૃત્યુ થયું હતું.
કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલું ગામ જેમાં મોહમંદ પટેલના પુત્ર અમીન પટેલનું પણ મૃત્યુ થયું છે. ચારેય લોકો અંકલેશ્વરના રહેવાસી છે. હાલ ઘટના સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. આ મામલે કેસ નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ માલિકને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ તપાસ બાદ મૃતકોના નામ પણ સામે આવ્યા છે. જેમાં પ્રથમ નામ ઈમ્તિયાઝ અબ્દુલ શેખ ઉમર 45, અમીન પટેલ ઉમર 22, અરુણ ઉમર ઉમર 22, રાઘજી ઉંમર 54 આ ચાર લોકોનું શ્વાસ રૂંધાવાથી મોત થયું છે.