Today Gujarati News (Desk)
પાકિસ્તાનના સ્વાતમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટની ઓફિસ પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 12 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં આતંકીએ પોતાની જાતને પણ ઉડાવી દીધી છે.
ખૈબર પખ્તુનખ્વાના પોલીસ મહાનિરીક્ષક અખ્તર હયાત ખાને આ આતંકવાદી હુમલા બાદ કહ્યું કે સમગ્ર પ્રાંતમાં હાઈ એલર્ટ છે. આ પહેલા જિલ્લા પોલીસ અધિકારી શફી ઉલ્લાહ ગાંડાપુર (ડીપીઓ)એ જણાવ્યું હતું કે સ્ટેશનની અંદર બે વિસ્ફોટ થયા હતા, જેનાથી ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે ઈમારત ધરાશાયી થવાને કારણે પાવર ફેલ થઈ ગયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિયો ન્યૂઝ અનુસાર, તેને શંકાસ્પદ આતંકવાદી કહેવામાં આવી રહ્યો છે. સ્ટેશનની અંદર બે બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પોલીસ સ્ટેશનની આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લા ખાને આ ઘટનાની કડક નિંદા કરી છે. તેમણે આ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યું છે. સનાઉલ્લા ખાને કહ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદનો આ અભિશાપ ટૂંક સમયમાં જ જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે.
તે ફિદાયીન હુમલો હતો
રેસ્ક્યુ 1122ના પ્રવક્તા આયેશા ખાને જાનહાનિની પુષ્ટિ કરી અને કહ્યું કે ઘાયલોમાં ત્રણ નાગરિકો પણ છે. ડૉન ડોટ કોમના અહેવાલ મુજબ, તે આત્મઘાતી વિસ્ફોટ હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, હુમલો લગભગ 8:20 વાગ્યે પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડની અંદર થયો હતો, જેમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ અને એક મસ્જિદ પણ છે.
ઈજાગ્રસ્ત પોલીસ અધિકારીએ Dawn.comને જણાવ્યું હતું કે વિસ્ફોટ બાદ ત્રણેય ઈમારતો “ભંગી પડી” અને તરત જ આગ લાગી ગઈ. બ્લાસ્ટ થયો ત્યારે હું રસોડામાં હતો. મેં બે વિસ્ફોટો સાંભળ્યા.
આ આતંકી હુમલો એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાનમાં આતંકવાદ સાથે જોડાયેલી ઘટનાઓ વધી રહી છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓ પોલીસકર્મીઓને નિશાન બનાવી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓએ પણ આતંકીઓ વિરુદ્ધ અભિયાન તેજ કરી દીધું છે.