T20 વર્લ્ડ કપની 9મી આવૃત્તિ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. ICCની આ મેગા ટૂર્નામેન્ટ 2 થી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં આયોજિત થવાની છે. T20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓની યાદી 1 મે સુધીમાં ICCને આપવાની રહેશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારતીય પસંદગીકારો 27 અથવા 28 એપ્રિલે દિલ્હીમાં કેપ્ટન રોહિત શર્મા સાથે બેઠક કરી શકે છે. કારણ કે રોહિત શર્મા આ દિવસે દિલ્હીમાં હાજર રહેશે. મુંબઈ ઈન્ડિયન્સની આઈપીએલ મેચ દિલ્હી કેપિટલ્સ સાથે 27મી એપ્રિલે દિલ્હીમાં છે. જ્યાં પસંદગીકારો પણ હાજર રહેશે.
બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર આ મહત્વપૂર્ણ બેઠક માટે રજાઓ ગાળ્યા બાદ સ્પેનથી પરત ફર્યા છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પછી, મુંબઈની આગામી મેચ 30 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે. તેથી, T20 વર્લ્ડ કપ ટીમની પસંદગી માટે આ આદર્શ સમય છે. જો કે ટીમ સિલેક્શનને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. રિપોર્ટ્સનું માનીએ તો આ 10 ખેલાડીઓની પસંદગી નિશ્ચિત છે. કેટલાક ખેલાડીઓના નામનો નિર્ણય તેમની ફિટનેસ પર નિર્ભર છે. હાર્દિક પંડ્યાનું નામ દસ ખેલાડીઓમાં નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંડ્યા બોલિંગ કરશે તો જ તેના નામ પર વિચાર કરી શકાય છે.
આ 10 ખેલાડીઓની પસંદગી નિશ્ચિત છે
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓની પસંદગી થઈ શકે છે. T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાનું સ્થાન IPLમાં તેના પ્રદર્શન પર નિર્ભર રહેશે. પસંદગીકારો હાર્દિકના પ્રદર્શન પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આઈપીએલની આ સિઝનમાં પંડ્યા હજુ સુધી બોલ કે બેટથી પ્રભાવિત થયો નથી.
T20 વર્લ્ડ કપમાં ભારતનું શેડ્યૂલ
ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024માં તેના અભિયાનની શરૂઆત 5 જૂને આયર્લેન્ડ સામે કરશે. 9 જૂને ટીમ ઈન્ડિયાનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે થશે જ્યારે 12 જૂને તેનો મુકાબલો યજમાન અમેરિકા સાથે થશે. ટીમ ઈન્ડિયા 15 જૂને કેનેડા સામે ટકરાશે.