Today Gujarati News (Desk)
ગુજરાતમાં અમદાવાદની સેશન્સ કોર્ટે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને રાજ્યમાં 2002ના રમખાણોના સંબંધમાં કથિત રીતે બનાવટી પુરાવાના આરોપમાં ડિસ્ચાર્જ કરવાની અરજીને ફગાવી દીધી છે. ગુરૂવારે કેસની સુનાવણી કરતા, એડિશનલ સેશન્સ જજ એ.આર. પટેલે પ્રોસિક્યુશન અને ડિફેન્સને 24 જુલાઈથી કેસ (ટ્રાયલની કાર્યવાહી શરૂ) શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન, ગુજરાત સરકારે પણ તિસ્તા સેતલવાડની અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેણે રમખાણ પીડિતોનો વિશ્વાસ તોડીને નિર્દોષ લોકોને ફસાવ્યા છે.
સુપ્રીમ કોર્ટે સેતલવાડને જામીન આપ્યા છે
આ પહેલા બુધવારે સુપ્રીમ કોર્ટે આ જ કેસમાં સેતલવાડને જામીન આપ્યા હતા. તિસ્તા સેતલવાડ, રાજ્યના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આરબી શ્રીકુમાર અને ભૂતપૂર્વ ભારતીય પોલીસ સેવા અધિકારી સંજીવ ભટ્ટની શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જૂન 2022માં ગુજરાત સરકારના અધિકારીઓને 2002ના રમખાણોના કેસમાં ફસાવવાના ઈરાદા સાથે ખોટા પુરાવાઓ બનાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત સરકારે અરજીનો વિરોધ કર્યો હતો
જજ એ.આર. પટેલે અગાઉ શ્રીકુમાર (તિસ્તા સેતલવાડ)ને ડિસ્ચાર્જ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ભટ્ટે હજુ સુધી આવી રાહત માંગી નથી. સેતલવાડની અરજીનો વિરોધ કરતા, ગુજરાત સરકારે આરોપ લગાવ્યો હતો કે તેણે તત્કાલિન મુખ્યમંત્રી (નરેન્દ્ર મોદી), વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓ સહિત નિર્દોષ લોકોને ફસાવવા માટે રમખાણો પીડિતોના નામે એફિડેવિટ બનાવ્યા હતા.
સાક્ષીઓએ છેતરપિંડીનો આક્ષેપ કર્યો હતો
સરકારે કહ્યું કે તેણે સેતલવાડના એનજીઓ ‘સિટીઝન ફોર પીસ’ સાથે કામ કરતા રઈસ ખાન પઠાણ તેમજ નરેન્દ્ર બ્રહ્મભટ્ટ અને રમખાણ પીડિતા કુતુબુદ્દીન અન્સારી સહિતના સાક્ષીઓના નિવેદનો પર આધાર રાખ્યો છે. બ્રહ્મભટ્ટે દાવો કર્યો હતો કે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલે કથિત રીતે કાર્યકર્તાને 30 લાખ રૂપિયા આપ્યા હતા. સરકારે સેતલવાડ દ્વારા તૈયાર કરાયેલા રમખાણોના પીડિતોના સોગંદનામા અને કોર્ટ સમક્ષ નોંધાયેલા તેમના નિવેદનોમાં પણ “વિરોધાભાસ” દર્શાવ્યા હતા.
‘બનાવટી પુરાવા’ સ્વીકારી શકાય નહીં: સેતલવાડ
સરકારના સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવા માટે પૂરતા પુરાવા અને કારણો છે. નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા બનાવ્યાના આરોપોને નકારી કાઢતા, સેતલવાડના વકીલે કહ્યું હતું કે જે સોગંદનામા ખોટા હોવાનું જણાયું છે તે સાક્ષીઓ દ્વારા સહી કરવામાં આવ્યા હતા અને વિવિધ અદાલતો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બચાવ પક્ષે કહ્યું કે તેથી આ સોગંદનામાને ‘બનાવટી પુરાવા’ તરીકે ગણી શકાય નહીં. સેતલવાડના વકીલે કહ્યું હતું કે આ સોગંદનામાના આધારે અદાલતોએ સાક્ષીઓની જુબાની નોંધી છે.
સુપ્રીમ કોર્ટે પીએમ મોદીને ક્લીનચીટ આપી છે
ઝાકિયા જાફરીની અરજી પર 24 જૂન, 2022 ના રોજ સુપ્રીમ કોર્ટના ચુકાદાના એક દિવસ પછી, સેતલવાડ, ભટ્ટ અને શ્રીકુમાર સામે બનાવટી પુરાવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. ઝાકિયાએ આક્ષેપ કર્યો હતો કે ગોધરાકાંડ બાદ થયેલા કોમી રમખાણો પાછળ મોટું કાવતરું હતું. તે કોંગ્રેસના દિવંગત પૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની છે જેમની રમખાણો દરમિયાન હત્યા કરવામાં આવી હતી. જૂન 2022 માં, સર્વોચ્ચ અદાલતે (હવે વડા પ્રધાન) નરેન્દ્ર મોદી અને અન્ય રાજ્ય અધિકારીઓને આપવામાં આવેલી ક્લીનચીટને સમર્થન આપ્યું હતું.