Today Gujarati News (Desk)
પ્રાથમિક શિક્ષકોની પોસ્ટ પર ભરતી માટે આજે રવિવારે લેવાઈ રહેલી ટેટ પરીક્ષા માટે ૨૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે અને આ પૈકીના મોટાભાગના વિદ્યાર્થીઓ બહારગામથી પરીક્ષા આપવા માટે આવ્યા છે.
આ પૈકી એક વિદ્યાર્થિનીની કારને અકસ્માત નડતા વડોદરા પોલીસ તેની મદદે આવી હતી અને પરીક્ષા કેન્દ્ર સુધી તેને પહોંચાડી હતી.મળતી વિગતો પ્રાણે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના દેરોલની રહેવાસી ગાયત્રી વાળંદને વડોદરાના સેન્ટર પર ટેટ પરીક્ષા આપવાની હોવાથી તે કારમાં બેસીને વડોદરા આવી રહી હતી.દરમિયાન તરસાલી બાયપાસ પાસે આવેલી એક હોટલ નજીક કારને ટ્રેલર સાથે અકસ્માત નડયો હતો.
હાઈવે પર પેટ્રોલિંગ કરી રહેલી વડોદરા પોલીસની એક જીપ સ્થળ પર પહોંચી હતી.પૂછપરછ દરમિયાન પોલીસ કર્મીઓને જાણવા મળ્યુ હતુ કે, કારમાં મુસાફરી કરી રહેલી વિદ્યાર્થિનીએ વડોદરાના મકપરપુરા ખાતે આવેલી ન્યૂ ઈરા સ્કૂલમાં ટેટની પરીક્ષા આપવાની છે.
ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચી શકે તે માટે પોલીસે તેને પીસીઆર વાનમાં બેસાડીને ન્યૂ ઈરા સ્કૂલ સુધી પહોંચાડી હતી.આમ આ વિદ્યાર્થિની માટે સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવુ પોલીસની મદદના કારણે શક્ય બન્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે જૂનિયર ક્લાર્કની પરીક્ષા દરમિયાન પણ પોલીસે આ રીતે બે ઉમેદવારોની છેલ્લી ઘડીએ ઉભી થયેલી મુશ્કેલીમાં મદદ કરી હતી અને તેના કારણે આ બે ઉમેદવારો જૂનિયર ક્લાર્કની પરીક્ષા આપી શક્યા હતા.